- ભાજપ દિલ્હી અને પંજાબમાં (જ્યાં આપ સત્તામાં છે) થઈ રહેલા કામથી ડરે છે.
નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ દારૂ નીતિ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. અરવિંદ કેજરીવાલને ૨ નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ભાજપે કેજરીવાલના સમન્સનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ સત્યની જીત છે. ભાજપે કેજરીવાલને કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે. આ અંગે આપ નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસથી સ્પષ્ટ થાય છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટી (આપ)ને નષ્ટ કરવાનો છે. સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો કે આ માટે તેઓ કેજરીવાલને નકલી કેસમાં ફસાવવા, તેમને જેલમાં મોકલવા અને આમ આદમી પાર્ટીને ખતમ કરવામાં કોઈ ક્સર છોડી રહ્યા નથી.
અરવિંદ કેજરીવાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સમન્સ મોકલવામાં આવ્યા છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી દિલ્હીમાં કેસના તપાસ અધિકારી સમક્ષ હાજર થયા બાદ મુખ્યમંત્રીનું નિવેદન રેકોર્ડ કરશે. વરિષ્ઠ આપ નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ તેના કેબિનેટ સાથી ભારદ્વાજના મંતવ્યોનો પડઘો પાડ્યો અને કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે. આતિશીએ આરોપ લગાવ્યો, ભાજપ દિલ્હી અને પંજાબમાં (જ્યાં આપ સત્તામાં છે) થઈ રહેલા કામથી ડરે છે. તેઓ મફત વીજળી, સારી શાળાઓ અને મોહલ્લા ક્લિનિક્સથી ડરે છે. તેઓ આપ નેતાઓને ખોટા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીને નષ્ટ કરવા માંગે છે. આ કાવતરાના ભાગરૂપે, ઈડીએ અરવિંદ કેજરીવાલને ૨ નવેમ્બરે સમન્સ પાઠવ્યું છે. તેઓ તેમની સામે ખોટો કેસ નોંધીને તેમની ધરપકડ કરવા માંગે છે. તેમણે કહ્યું કે તેઓ જેલ જવાથી ડરતા નથી અને લોકો માટે કામ કરતા રહેશે.
ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે કેજરીવાલને સમન્સ અને આ જ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવવાથી ભાજપનું વલણ સાબિત થયું છે કે એક્સાઇઝ પોલિસીમાં કૌભાંડ છે. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, સુપ્રીમ કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતાં, ભાજપના દારૂ કૌભાંડના આરોપો સાચા સાબિત થયા છે અને હવે કેજરીવાલને ED નું સમન્સ ભ્રષ્ટાચારની આ ગાથાને બંધ કરવા માટેનું છેલ્લું પગલું છે, કારણ કે તેઓ પોતે જેલમાં જશે.
અગાઉ, સુપ્રીમ કોર્ટે દારૂ નીતિ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની બે અલગ-અલગ જામીન અરજીઓ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની બે અલગ-અલગ જામીન અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેણે આ કેસમાં રૂ. ૩૩૮ કરોડના ટ્રાન્સફરની અસ્થાયી રૂપે પુષ્ટિ કરી છે.