અમદાવાદની ઇસનપુર પોલીસે એક એવો કેસ કર્યો જે નવાઈ પમાડે તેવો છે. બાતમીના આધારે દારૂની રેડ કરવા જતા પોલીસને દારૂ તો ન મળ્યો પણ મળી દારૂની એક બોટલ અને રૂપિયાનો ઢગલો. ક્રિકેટનો સત્તો રમાડતા બુકીના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા.
અમદાવાદ શહેરની ઇસનપુર પોલીસને દારૂના જથ્થાની બાતમીમાં દારૂનો જથ્થો તો ન મળ્યો પણ રોકડાનો જથ્થો મળ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દારૂનો જથ્થો શોધી રહી હતી તેવામાં ઘરમાંથી 37 લાખ રોકડા મળી આવ્યા હતા. ઇસનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી પોલીસને મંગળવારે ભાડૂઆતનગરના શ્યામ સાંઈ એપાર્ટમેન્ટમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યાની બાતમી મળી હતી. પોલીસે બાતમી મુજબ ફ્લેટમાં રેડ કરતા દારૂનો જથ્થો તો નહીં પણ સ્કોટલેન્ડ બનાવટની એક બોટલ જ મળી હતી. જો કે પોલીસે વધુ તપાસ કરતા ફ્લેટના બે રૂમમાંથી અધધધ રૂ.37 લાખની રોકડ મળી આવી હતી. જેને લઈને પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો હતો જોકે આ કેસમાં પતિ ફરાર છે.
શ્યામ સાંઈ એપાર્ટમેન્ટમાંથી પોલીસે આ રોકડા સાથે સોનલ ચંદ્રાત્રેની ધરપકડ કરી. તેની પૂછપરછ કરતા તેને પણ તેનો પતિ ક્યારે આવશે તે ખ્યાલ ન હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું. પણ પોલીસને એ વાત તો જાણવા મળી જ કે રૂપિયા રાખનાર આરોપી શાર્દુલ ક્રિકેટ સટ્ટાનો મોટાગજાનો બુકી છે. અને હાલ તે દુબઇ છે.. આ નાણાં હવાલાથી મોકલ્યા હોવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. જે માટે હવે ઇન્કમટેક્સ સહિતની એજન્સીઓને પણ જાણ કરાશે.
સૂત્રોનું માનીએ તો આ બેનામી રકમ બાબતે હજુ કોઈ ગુનો બની ન શકે. પણ તપાસમાં હકીકતો સામે આવશે તો તે મુજબની કલમો ઉમેરી કાર્યવાહી પોલીસ કરશે. ત્યારે હવે આ બુકી કેટલા સમયથી સટ્ટા બજારમાં સક્રિય છે અને તેની સાથે કેટલા લોકો સંકળાયેલા છે અને આ રૂપિયા કોના હતા ક્યાંથી આવ્યા તે તમામ દિશામાં તપાસ શરૂ કરાશે.