દર્શકોને થિયેટરમાં લાવવા માટે મધ્યમ બજેટની ફિલ્મોની જરૂર, ‘હિંદીભાષી’ બજાર નબળું છે. કારણ કે કન્ટેન્ટનો પ્રવાહ ઓછો છે : યુએફઓ મૂવીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર

  • ૨૦૧૯માં ૧૯,૧૦૦ કરોડ રૂપિયાની કુલ આવક ઘટીને ૨૦૨૦માં રૂ. ૭,૨૦૦ કરોડ થઈ ગઈ છે.

પૂણે, અંદાજે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ‘દૃશ્યમ્-૨’એ ગત વર્ષે વૈશ્ર્વિક બોક્સ ઑફિસ પરથી રૂ. ૩૪૦ કરોડની આવક રળી. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હવે મહામારી અને સ્ટ્રીમિંગના બેવડા મારમાંથી ઉપર ઊઠવું હશે તો આવી ઘણી ‘દૃશ્યમ્’ની જરૂર પડશે. બ્લોકબસટરની વચ્ચે આવી નાની-નાની ફિલ્મો દર્શકોને સિનેમાઘર સુધી આવવા મજબૂર કરે છે. મોટા બજેટની ફિલ્મોની તો વાત જ જુદી છે.

‘પઠાણ’ એ ૨૫ સિંગલ સ્ક્રીનને મંદીમાંથી બહાર આવવામાં મદદ કરી. ‘આરઆરઆર’એ પણ આશા જગાડી. બીજી તરફ દરેક મોટો રિટેલર સ્ક્રીનમાં રોકાણ વધારી રહ્યા છે. પીવીઆર આઇનોક્સે ૫૦ સ્ક્રીન બંધ કરી હતી. હવે આ વર્ષે વિવિધ સ્થળે ૧૬૮ નવી સ્ક્રીન શરૂ કરી રહ્યું છે. મિરાજ, કાનવલ, સિનેપોલિસ પણ રોકાણ કરી રહ્યા છે પરંતુ દેશમાં અંદાજે ૯૦૦૦ સ્ક્રીન પર મયમ બજેટની ફિલ્મોની પાઇપલાઇન મોટી ચિંતા છે.

યુએફઓ મૂવીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેશ મિશ્રા કહે છે, ‘હિંદીભાષી’ બજાર નબળું છે. કારણ કે કન્ટેન્ટનો પ્રવાહ ઓછો છે. સિનેમા માટે આ જ વાત નડતરરૂપ છે.’ મિરાજ ગ્રુપના એન્ટરટેઇનમેન્ટ ડાયરેક્ટર અમિત શર્મા કહે છે, ‘કોવિડ પહેલાંની સરખામણીમાં (ટિકિટના વેચાણની દૃષ્ટિએ) હિન્દી ૫૦-૬૦%એ છે જ્યારે દક્ષિણનું બજાર ૮૦-૯૦%ના સ્તરે છે.’ તેમણે કહ્યું કે ‘ટિકિટના ભાવમાં વધારાને કારણે કોવિડ પહેલાં આવક ૮૦% સુધી પહોંચી હતી.’ બીજી તરફ નિષ્ણાતો કહે છે, સ્ટ્રીમિંગ પર આવતી ફિલ્મો અને શૉથી દર્શકો સંતુષ્ટ તો છે જ, સાથેસાથે ત્યાંથી દૂર થવા પણ માગતા નથી. ‘કહાની’ કે ‘અંધાધુન’ જેવી ફિલ્મો આજે દર્શકોની ગૅરન્ટી નથી બની શક્તા. ઓટીટી પર સ્ટોરી ટેલિંગની આશા આભે આંબી ગઈ છે.

પીવીઆર આઇનોક્સના એમડી અજય બિજલી કહે છે, થોડા દસકા વિત્યા પછી રચનાત્મક રીતે પરિવર્તન લાવવું પડતું હોય છે. ઓટીટી પોતાનું કન્ટેન્ટ જોવા માટે મજબૂર કરી રહ્યું છે. એટલે તેની સાથે થાકનું પાસું નક્કી છે. બીજી તરફ મહામારીએ અમને બૉક્સિંગ રિંગમાંથી બહાર ફેંકી દીધા હતા પરંતુ ૧૦ સુધીની ગણતરી હજી પૂરી થઈ નથી. અમે મજબૂત રીતે પાછા ફરીશું.’

ફિક્કી-ઈવાઈ પ્રમાણે ૨૦૧૯માં ૧૯,૧૦૦ કરોડ રૂપિયાની કુલ આવક ઘટીને ૨૦૨૦માં રૂ. ૭,૨૦૦ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષે તેમાં વધારો થતાં આવક રૂ. ૧૭,૨૦૦ કરોડે પહોંચી હતી. ૨૦૨૨માં ૯૯.૪ કરોડ ટિકિટ વેચાઈ. આ આંકડો સારો છે પરંતુ કોવિડ પહેલાં વેચાયેલી ૧૪૬ કરોડ કરતાં ઓછો છે. ૨૦૧૯માં ૧૮૩૩ ફિલ્મ રિલીઝ થઈ હતી જ્યારે ૨૦૨૨માં ૧૬૨૩ ફિલ્મ આવી હતી. લંડનસ્થિત ઓમ્ડિયાના મુખ્ય વિશ્લેષક ડૅવિડ હેનકૉક કહે છે, ‘બધું સામાન્ય થઈ રહ્યું છે પરંતુ કોવિડ પહેલાના સમય કરતાં ફિલ્મો આવવાનું અડધું થઈ ગયું છે એટલે કે આવક વધવાની તકો ઓછી છે. થિયેટરમાં જવાની લોકોની આદત છૂટી ગઈ છે, તેને ફરી શરૂ થતાં સમય લાગશે.