અયોધ્યા : આ વર્ષે ૨૨ જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યા માં રામ મંદિરનો અભિષેક કર્યો હતો, ત્યારબાદ ત્યાં ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા બાદથી લગભગ ૧.૫ કરોડ લોકો રામલલાના દર્શન કરવા અયોધ્યા ભાવિ મંદિરમાં પધાર્યા છે.
ચંપત રાયે કહ્યું, ’દરરોજ એક લાખથી વધુ લોકો મંદિરમાં દર્શન માટે આવી રહ્યા છે. ૨૨ જાન્યુઆરીએ ’પ્રાણ પ્રતિષ્ઠા’થી લઈને અત્યાર સુધીમાં લગભગ ૧.૫ કરોડ લોકો રામલલાના ’દર્શન’ માટે આવ્યા છે. હાલમાં, મંદિરનું માત્ર ભોંયતળિયાનું જ કામ પૂર્ણ થયું છે. જ્યાં રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો, પહેલા માળ પર કામ ચાલી રહ્યું છે. મંદિરની ફરતે ૧૪ ફૂટ પહોળી સુરક્ષા દિવાલ બનાવવામાં આવશે. આ દિવાલને મંદિરની ’પરકોટા’ કહેવામાં આવે છે.
આ મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ ૨૦-૨૦ ફૂટ હશે. રામ મંદિર કુલ ૨.૭ એકરમાં બની રહ્યું છે. તેની ઊંચાઈ અંદાજે ૧૬૧ ફૂટ હશે. મંદિર નિર્માણ અને અન્ય પ્રોજેક્ટમાં વધુ સમય લાગી શકે છે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે ભોંયતળિયું હમણાં જ બનાવવામાં આવ્યું છે. પહેલો અને બીજો માળ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ જશે. પરંતુ, અયોધ્યા માં દિવ્યતા અને ભવ્યતા દેખાવા લાગી છે. આગામી દિવસોમાં અહીંના ભક્તોને ત્રેતાયુગ જેવો અનુભવ થશે. મંદિરની ડિઝાઈનથી લઈને શહેરની શૈલીમાં તે ખાસ છે.
રામ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે સંકુલમાં ભગવાન રામના મંદિરની સાથે ૭ અન્ય મંદિરો પણ બનાવવામાં આવી રહ્યા છે. મહર્ષિ વાલ્મિકી મંદિર, મહર્ષિ વશિષ્ઠ મંદિર, મહર્ષિ વિશ્વામિત્ર મંદિર, મહર્ષિ અગસ્ત્ય મંદિર, નિષાદ રાજ, માતા શબરી, દેવી અહિલ્યા મંદિર લોકોને ત્રેતાયુગ સાથે સીધો જોડાયેલો અનુભવ કરાવશે. મંદિરનો મુખ્ય દરવાજો સિંહ દ્વાર તરીકે ઓળખાશે. મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય પરંપરા અનુસાર અને સ્વદેશી ટેક્નોલોજીથી કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ-જળ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુલ ૭૦ એકર વિસ્તારમાંથી ૭૦% વિસ્તાર હંમેશ માટે હરિયાળો રહેશે.
મંદિર પાસે પ્રાચીન કાળનું સીતાકૂપ જોઈ શકાય છે. સંકુલના ચાર ખૂણામાં સૂર્ય, ભગવતી, ગણેશ અને શિવના મંદિરો બનાવવામાં આવશે. ઉત્તર અને દક્ષિણ ભાગમાં અન્નપૂર્ણા અને હનુમાનજીના મંદિરો હશે.