’ડાર્ક ઓફ ડેમોક્રેસી’ ઇમરજન્સીની વર્ષગાંઠ મોદીનું ટ્વીટ

ઇજિપ્ત, ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે કે ૨૫ જૂન, ૧૯૭૫ એ દિવસ છે, જ્યારે ભારતમાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી. આજે રવિવારે અને ૨૫ જૂનના રોજ આ ઈમરજન્સીના ૪૮ વર્ષ પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી જે ઈમરજન્સીના સમય પર અડગ લડતા રહ્યા હતા.

પીએમ મોદી હાલ ઇજિપ્તમાં રાજકીય પ્રવાસ પર છે, આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે રાત્રે ૧૨ વાગ્યે ઇજિપ્તથી દિલ્હી આવવા માટે રવાના થશે.

ઈમરજન્સીની વર્ષગાંઠ પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, હું એ તમામ હિંમતવાન લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને અમારી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. #DarkDaysOfEmergency  એ આપણા ઈતિહાસનો એક અવિસ્મરણીય સમયગાળો છે, જે આપણા બંધારણ દ્વારા નિમત મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.

બીજી તરફ, રવિવારે (૨૫ જૂન) ભારતીય જનતા પાર્ટી યુપીમાં ’બ્લેક ડે’ મનાવશે. આ અંતર્ગત કોંગ્રેસને ઘેરવા માટે ભાજપ સરકાર ગૌતમ બુદ્ધ નગરમાં જનસભાનું આયોજન કરવા જઈ રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જનસભાને સંબોધશે. જણાવી દઈએ કે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ ૩૫૨ હેઠળ ઈમરજન્સી જાહેર કરી હતી.

૨૫ જૂન ૧૯૭૫થી ૨૧ માર્ચ ૧૯૭૭ સુધી ૨૧ મહિના માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ઈમરજન્સી લાગુ થયા પછી લોકોની સ્વતંત્રતાથી લઈને પ્રેસની સ્વતંત્રતા સુધી દરેક વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ જ કારણ છે કે ઈમરજન્સીને ભારતીય ઈતિહાસની સૌથી કુખ્યાત ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.