બોલિવૂડમાં નીપોટિઝમની વાત આવે ત્યારે હંમેશા અનન્યા પાંડેનો ઉલ્લેખ થાય છે. કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી કરિયર શરૂ કરનારી અનન્યાએ બાદમાં ‘પતિ-પત્ની ઔર વોહ’માં કામ કર્યું હતું. શરૂઆતની બંને ફિલ્મોમાં અનન્યાની ખાસ નોંધ લેવાઈ ન હતી અને હજુ પણ એ-ગ્રેડ સ્ટાર્સમાં અનન્યાને સ્થાન મળ્યું નથી. અનન્યાએ પોતાની કરિયરની વાત કરતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ મને પસંદ કરે તેવી ઈચ્છા હવે રહી નથી. માત્ર કામ પર ફોકસ કરવાનું ગમે છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન અનન્યાએ જણાવ્યું હતું કે, તેના પિતા ચંકી પાંડે હંમેશા લોકોને રાજી રાખવા માગે છે. તેઓ જ્યાં જાય ત્યાં તેમની જ વાત થાય અને લોકો પસંદ કરે તેવી ઈચ્છા હોય છે. પિતાની જેમ જ હું પણ શરૂઆતમાં વિચાતી હતી. તેથી કરિયરની શરૂઆતમાં દરેક વ્યક્તિ પસંદ કરે તેવી ઈચ્છા હતી. દરેક વ્યક્તિ શા માટે પસંદ નથી કરતી તેવું વિચારીને અનન્યા મૂંઝાતી હતી. પોતાની આ માનસિકતા અંગે સ્પષ્ટતા કરતાં અનન્યાએ કહ્યું હતું કે, પોતે મહાન છે અને લોકોએ પસંદ કરવી જોઈએ તેવી માન્યતા ન હતી. પોતે સારી વ્યક્તિ છે અને મિત્રો-પરિવારજનો પણ ખૂબ સારા છે, તો પછી લોકો શા માટે પસંદ ન કરે? તેવો વિચાર આવતો હતો.
સમય જતાં અનન્યાને સમજાયું કે દરેક વ્યક્તિ પસંદ કરે અને દિલથી ચાહે તે અશક્ય છે. તેથી દરેકને ખુશ રાખવાનું ધ્યેય રાખવું જોઈએ નહીં. અનન્યાએ જણવ્યું હતું કે, તેણે બાદમાં પ્રાયોરિટી બદલી નાખી. ક્લોઝ ફ્રેન્ડ ઓરીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તે ઓરી જેવી બનવા માગતી નથી. માત્ર પોતાની જાતને બહેતર બનાવવા માગે છે. તે રોજ એવું વિચારતાં સૂઈ જાય છે કે, સારી વ્યક્તિ છે અને સારું કામ કર્યું છે. દરરોજ નવું શીખવાના પ્રયાસોને યાદ રાખે છે. અનન્યા પાંડેની આગામી ફિલ્મ ખો ગયે હમ કહાં છે. તેમાં સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ પણ મહત્ત્વના રોલમાં છે.