દરેક વસ્તુની એક લિમિટ હોય નાઇટસૂટમાં તો ફોટો ન લેવાયને,સોનાલી બેન્દ્રે

મુંબઇ, સોનાલી બેન્દ્રે, જયદીપ અહલાવત અને શ્રિયા પિળગાંવકરની ’ધ બ્રોકન ન્યુઝ’ સિરીઝની બીજી સીઝન ત્રીજી મેએ રિલીઝ થવાની છે. સોનાલી બેન્દ્રે એમાં ’આવાઝ ભારતી’ નામની ન્યુઝ ચૅનલની હેડ અમીના કુરેશીના પાત્રમાં છે. સોનાલી બેન્દ્રેએ આ સંદર્ભમાં રિયલ મીડિયા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ’મારી કરીઅર દરમ્યાન મીડિયા સાથે મારો પ્લસ-માઇનસ સંબંધ રહ્યો છે.

ગૉસિપ્સ વગેરે મારા વિશે એક સમયે આવી ચૂકી છે. ત્યારે નવાઈ લાગતી, ગુસ્સો પણ આવતો; પણ હવે આ પાત્ર કર્યા પછી લાગે છે કે પત્રકારો પર કેવું પ્રેશર હોય છે. હવે હું તેમને માનવીય રીતે જોઉં છું. ખ્યાલ આવ્યો કે તેમના પર પણ પ્રેશર હોય છે.’

આજે ડિજિટલ મીડિયાના જમાનામાં સેફ સ્પેસ ઓછી કે ઝીરો થઈ ગઈ છે એમ જણાવતાં સોનાલી બેન્દ્રેએ કહ્યું હતું કે ‘હવે તમે માત્ર ચાર દીવાલની અંદર જ કૅમેરાથી બચેલા છો. જેવા રૂમમાંથી બહાર નીકળ્યા એટલે જેના હાથમાં મોબાઇલ છે એ બધા જર્નલિસ્ટ છે આજે. તેઓ એક ક્લિક કરીને ઇન્ટરનેટ પર મૂકે એટલે બધું પૂરું!’

પાપારાઝી એટલે કે અત્રતત્રસર્વત્ર પહોંચી જતા ફોટોગ્રાફરોના કલ્ચર વિશે વાત કરતાં સોનાલીએ કહ્યું હતું કે ‘પાપારાઝી નવું આવ્યું ત્યારે ગમેતેમ ફોટો પાડતા. તમે થાકેલા હો, તબિયત સારી ન હોય તોય ફોટો પડી જાય અને નીચે કમેન્ટ્સ આવે કે જુઓ મેકઅપ વિના આ હિરોઇન કેવી લાગે છે. પણ હવેનું પાપારાઝી જુદું છે. હવે હું રિક્વેસ્ટ કરું છું કે આજે નહીં, બે દિવસ પછી ફોટો આપીશ. તેઓ સ્પેસ આપે છે. તેઓ એવું પણ કહે છે કે આ ફોટો નથી ચાલતા, મેકઅપ વિના આપો! તો હું કહું છું કે એ આપીશ પરંતુ એ પણ બીજા દિવસે. એટલે હવે પ્રૉપર પાપારાઝી થઈ ચૂક્યું છે. બાકી હું માનું છું કે દરેક વસ્તુની એક લિમિટ હોય. નાઇટસૂટમાં તો ફોટો ન લેવાયને. તેઓ મને રિસ્પેક્ટ આપે છે તો હું બે ડગલાં આગળ જઈને તેમનો સપોર્ટ કરીશ.’