અમદાવાદ: શહેર ક્રાઇમ બ્રાન્ચે કારના કાચ તોડીને, મોપેડની ડેકી તોડીને અને ચાલુ વાહને લાખ્ખો રૂપિયા ભરેલી બેગોની લૂંટ કરનાર ગેંગના મુખ્ય સુત્રધારની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 8 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કરીને લૂંટના ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે, આરોપી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હતાં.
ક્રાઇમ બ્રાન્ચે નરોડા પાટીયા પાસેથી વિશાલ તનવાણી નામના આરોપીની ધરપડક કરી છે. આરોપી ગેંગ બનાવીને કારના કાચ તોડી, મોપેડની ડેકી તોડીને કે પછી ચાલુ વાહને લાખ્ખો રૂપિયા ભરેલી બેગની લૂંટ કરતો હતો. આરોપી પાસેથી પોલીસે રૂપિયા સાત લાખ રોકડા સહિત કુલ 8 લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી તેની ગેંગમાં રોજનીશ ગુમાનેકર, ઉપેશ અભંગે, નકુલ તમંચે અને અન્ય એક વ્યક્તિની સાથે મળીને શહેરના ઓઢવ, સોલા, ગુજરાત યુનીવર્સીટી એમ ચાર જગ્યાએ અલગ અલગ બનાવને અંજામ આપ્યો હતો.
ચોંકાવનારી બાબત તો એ છે કે, આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખાસ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતાં હતાં. આરોપી લૂંટને અંજામ આપવા માટે ચારથી વધુ આરોપીઓની ટુકડી બનાવે છે. ગુનાને અંજામ આપતા પહેલા અમદાવાદ શહેર બહાર કોઇ જગ્યાએ ભેગા થતા હતાં. જ્યાં કપડા બદલીને ચહેરો ઢાંકવા માટે માસ્ક, રૂમાલ કે હેલ્મેટનો ઉપયોગ કરી અલગ અલગ વાહનોમાં નીકળતા હતાં. રસ્તામાં એકબીજાના વાહનોમાં ગેંગના સભ્યો બદલાતા રહેતા હતાં.
લૂંટ કર્યા બાદ તેમા ઉપયોગમાં લીધેલ વાહન દ્વારા જાહેર રોડ સિવાય અમદાવાદ શહેરની બહાર નીકળીને ગામડાના કાચા રસ્તા પરથી પસાર થઇ શહેર બહારના ગામડાઓમાં વાહન પાર્ક કરીને છુટક વાહનમાં બેસી ઘરે આવી જતા હતાં. એક લૂંટ કર્યા બાદ તેમા ઉપયોગમાં લીધેલ વાહનોને બીજા કલરનું કોટીંગ કરીને વાહનનો કલર બદલી નાંખતા હતાં અને લૂંટમાં મળેલા રૂપિયા સરખે ભાગે વહેંચી દેતા હતાં.
આરોપી સામે અગાઉ નરોડા, સરદારનગર, માધુપુરા, વસ્ત્રાપુર, વાડજ, નવરંગપુરા અને અડાલજમાં પણ ગુના દાખલ થઇ ચુક્યા છે. હાલમાં પોલીસએ આરોપીની પૂછપરછ શરૂ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.