- પ્રેમનો સ્વીકાર કરી લેવાયા બાદ વ્યક્તિને ધર્માંતર માટે ફસાવાઈ હોવાની શક્યતા ઓછી છે.
મુંબઈ,
યુવક અને યુવતી જુદા ધર્મના હોવા માત્રથી આ પ્રકરણને ધાર્મિક રંગ આપી શકાય નહીં, દરેક આંતરધર્મીય લગ્નમાં લવ જેહાદનો એન્ગલ હોતો નથી એમ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે જણાવ્યું છે. હિન્દુ યુવકને ઈસ્લામ અંગિકાર કરીને યુવતી સાથે લગ્ન કરવાની કથિત ફરજ પાડવા બદલ ગુનાનો સામનો કરી રહેલી મુસ્લિમ યુવતી અને તેના માતાપિતા અને બહેનને કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા હતાં તે વખતે આ ટિપ્પણી કરી હતી.
આ પ્રકરણને લવ જીહાદનું સ્વરૃપ અપાઈ રહ્યું હોવાનું લાગે છે, પરંતુ પ્રેમનો સ્વીકાર કરી લેવાયા બાદ વ્યક્તિને ધર્માંતર માટે ફસાવાઈ હોવાની શક્યતા ઓછી છે. આ પ્રકરણ એકબીજા માટે સાચા પ્રેમનું પણ હોઈ શકે છે, એમ કોર્ટે ચુકાદામા નિરીક્ષણ કર્યું હતું. ઔરંગાબાદ વિશેષ કોર્ટે આગોતરા જામીન નકારતાં મહિલા અને તેના પરિવારે અપીલ કરી હતી. યુવકે આરોપ કર્યો હતો કે તેને બળજબરીથી ઈસ્લામ અંગિકાર કરવાની ફરજ પડાઈ હતી અને તેની ખતના પણ કરાવાઈ હતી. આ કેસ લવ જીહાદનો હોવાની દલીલ કરીને જણાવાયું હતું કે તેને મહિલાના પરિવાર માટે આર્થિક વ્યવહાર પણ કરવાની ફરજ પડાઈ હતી. તેને તેની જ્ઞાાતિને નામે ગાળો આપવામાં આવી હોવાનો પણ દાવો કરાયો હતો.
કોર્ટે જોકે નોંધ્યું હતું કે એફઆઈઆર અનુસાર યુવકે પોતે જ મહિલા સાથે પ્રેમ હોવાનું કબૂલ્યું હતું. સરકારી પક્ષના જણાવ્યા અનુસાર યુવક અને યુવતી માર્ચ ૨૦૧૮થી પ્રેમમાં હતા. યુવક અનુસૂચિત જાતિનો હતો અને યુવતીને તેની જાણ કરી નહોતી. બાદમાં યુવતીએ તેને ઈસ્લામ ધર્મ અંગિકાર કરીને તેની સાથે લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો ત્યાર બાદ યુવકે પોતાની સાચી જ્ઞાાતિ જણાવી હતી. તેમણે વાંધો ઉઠાવ્યો નહોતો અને પુત્રીને સ્વીકારી લેવા સમજાવી હતી. જે દર્શાવે છે કે શરૃઆતમાં તેમની વચ્ચે સારા સંબંધ હતા. એ વખતે જાતિ કે ધર્મ બાધા નહોતા તો પછીના તબક્કે આ મુદ્દા ઉઠાવવા જોઈએ નહીં, એમ કોર્ટે નોંધ્યું હતું.
યુવકે તેની સાથે થયેલી બળજબરી અને બળાત્કારનો કેસ દાખલ થયાની ફરિયાદ કર્યા પછી પણ તેણે યુવતી સાથે સંબંધ તોડયો નહોતો. એફઆઈઆર ડિસેમ્બર ૨૦૨૨માં થઈ હતી, એમ જણાવીને કોર્ટે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેસ નોંધાવવામાં અતિ વિલંબ થયો છે અને આથી યુવકની વાતોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. જ્યારે સંબંધનું મૂળ પ્રેમ પ્રકરણ હતું તો ધર્મ અને જ્ઞાાતિ આડે અવાતી નથી અને એટ્રોસિટી હેઠળ પ્રથમદર્શી કેસ બનતો હોવાનું કહી શકાય નહીં. આ પ્રકરણે તપાસ પૂરી થઈ છે અને પોલીસે આરોપનામું પણ દાખલ કર્યું છે અઆથી અરજદારની કસ્ટડીની જરૃર નથી, એમ કોર્ટે જણાવ્યું હતું.
બળજબરીથી ખતનાના કરાવ્યાન દાવા વિશે કોર્ટે નોંધ્યું હતું કે પોલીસે નિષ્ણાતનો મત માગ્યો છે. નિષ્ણાતો જોકે કહી શક્યા નહોતા કે ખતના કુદરતી છે કે સર્જરીથી કરવામાં આવી છે. વળી તે ડોક્ટરે કરી છે કે ઈસ્લામિક પારંપરાથી અનધિકૃત વ્યક્તિ દ્વારા કરાઈ છે, એ પણ કહી શક્યા નથી. ક્યારે કરાઈ છે એ પણ કહી શક્યા નથી, એમ કોર્ટે નોંધીને આગોતરા જામીન મંજૂર કર્યા હતા.