દર વખતે બજેટમાં નર્મદાનું પાણી વડગામ પહોંચે તેવી જોગવાઈ કરવામાં આવે છે પણ તેનો અમલ થતો નથી : જીગ્નેશ મેવાણી

ગાંધીનગર,

વિધાનસભા ગૃહમાં નર્મદાના પાણીનો મુદ્દો ગાજ્યો હતો. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કટાક્ષ કરતાં ગૃહમાં મુદ્દો ઉઠાવ્યો હતો કે, વડગામમાં છેલ્લા ૨૫ વર્ષથી નર્મદાના પાણી આપવાની વાત થાય છે. પરંતુ આજ દિન સુધી પાણી પહોંચ્યું નથી. દર વખતે બજેટમાં નર્મદાનું પાણી વડગામ પહોંચે તેવી જોગવાઈ કરવામાં આવે છે પણ તેનો અમલ થતો નથી. જેથી દાદા મામાને પત્ર લખીને નર્મદાના બાકી નીકળતા રૂપિયા પરત લેવડાવો.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, સરકારે આ મામલે રિવ્યુ બેઠક બોલાવવી જોઈએ અને પાણી અને તેની વ્યવસ્થા મામલે ચર્ચા થવી જોઈએ. જ્યાં પાણી નથી પહોંચતું તે માટે સરકાર એક શ્ર્વેત પત્ર બહાર પાડે અને તે અંગે રિવ્યૂ બેઠક કરે તેવી જિજ્ઞેશ મેવાણીએ માંગ કરી હતી. આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રીને લોકો હુલામણા નામથી દાદા કહે છે જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને હુલામણા નામથી મામા કહે છે. તો દાદા મામાને પત્ર લખીને નર્મદાના બાકી નીકળતા કરોડો રૂપિયા પરત લે. આ ઉપરાંત વડાપ્રધાન પણ ગુજરાતના છે જેથી તેવો ગુજરાતના હિત માટે રૂપિયા પરત કરાવે.

વિધાનસભામાં પ્રશ્ર્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, સૌની યોજનાની ૨૦૧૩ના ફેબ્રુઆરીમાં ૧૦ હજાર કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૨૦૨૧ સુધીમાં ૧૬ હજાર ૧૪૮ કરોડનો ખર્ચ થયો છે. સરકારે વહિવટી મંજુરી મેળવીને ૧૮ હજાર ૫૬૩ કરોડ ખર્ચનો અંદાજ માંડ્યો હતો. સરકારે વધુ ખર્ચ થવા પાછળ પાઈપલાઈનમાં વધારાનું કારણ આગળ ધર્યું છે. તે ઉપરાંત સરકારે આ યોજના હેઠળ અંદાજ કરતાં વધુ ખર્ચ થવા પાછળ સ્ટીલના ભાવમાં વધારો, નક્કી કરેલ સ્ટીલ પાઈપલાઈન કરતા વધારે ગુણવત્તાની જરૂર પડી હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે આ યોજના હેઠળ ખર્ચની પ્રાથમિક મંજુરી હેઠળ રાઈટ ઓફ યુઝ ખર્ચ અને ઇલેક્ટ્રિસિટી કનેક્શન ગણતરીમાં લેવાયેલ નહીં હોવાનું પણ ગૃહમાં ધારાસભ્યના સવાલમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.