અમદાવાદ,
અમદાવાદના જાસપુરમાં મા ઉમિયાના વિશ્ર્વના સૌથી ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું છે, વિશ્ર્વભરના પાટીદારોનું વૈશ્ર્વિક સંગઠન મા ઉમિયાની આસ્થાના કેન્દ્રબિંદુથી જોડાયેલુ છે. ત્યારે અમદાવાદના જાસપુરના વિશ્ર્વઉમિયાધામ સંકુલમાં સંસ્થા સાથે જોડાયેલા તેમજ હાલમાં યુએસએ કેનેડા, આફ્રિકા, યુકે અને તેમજ વિશ્ર્વના વિવિધ ખુણામાં રહેતા એનઆરઆઇ પાટીદાર પરિવારોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં ૫૦૦ થી વધુ એનઆરઆઇ પાટીદાર પરિવારો વિશ્ર્વ ઉમિયાધામ ખાતે આવ્યા હતા. જેમાં દર શનિવારે વિશ્ર્વભરમાં પાટીદારોમા ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
વિશેષ રીતે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી મંદિર પરિષરમાં ઈ-ચાર્જિંગ પોઈન્ટનું પણ ઉદ્ધાટન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, વિશ્ર્વ ઉમિયાધામ દ્વારા આવતી ૨૧ જાન્યુઆરીથી વિશ્ર્વ ઉમિયાધામ પ્રિમિયર લિગનું પણ આયોજન કરાયું છે. વિશ્ર્વ ઉમિયાધામ ખાતે એનઆરઆઇ સ્નેહમિલન અને અભિવાદન સમારોહમાં સંબોધન કરતાં વિશ્ર્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, હવેથી દર વર્ષે વિશ્ર્વના તમામ દેશોમાં જ્યાં પાટીદારો વશે છે. ત્યાં મા ઉમિયાનો પાટોત્સવ ઉજવાશે અને હવેથી દર શનિવારે સાંજે ૮ થી ૯ વાગ્યા સુધી એક સાથે વિશ્ર્વભરમાં પાટીદારો મા ઉમિયાની પ્રાર્થના અને આરતી કરશે.
એનઆરઆઇ સ્નેહમિલન સાથે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કથાકાર જીગ્નેશ દાદા, સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ સહિત વિશ્ર્વ ઉમિયાધામના વિદેશમાં વસતાં દાતા ટ્રસ્ટીઓ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વિશ્ર્વઉમિયાધામ અમેરિકાના કોડનેટર વી.પી. પટેલ, કેનેડાના કોડનેટર રજનીકાંતભાઈ પટેલ -યુ.કે., આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ટ્રસ્ટીઓ પણ હાજરી આપી હતી. તમામ એનઆરઆઇ પરિવારોએ મા ઉમિયાની પુજા અર્ચના અને મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી.
મહત્વનું છે કે જાસપુરમાં ૪૩૧ ફૂટ ઉંચા મંદિરનું ૧૦૦ વીઘા જમીનમાં એક હજાર કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ઇન્ડોર જર્મન ટેક્નોલોજીથી મંદિરનું નિર્માણ કરવાનું હોવાથી જર્મન અને ભારતના આકટેક મંદિરની સંપૂર્ણ ડિઝાઇન તૈયાર કરશે. મંદિરનો શિલાન્યાસ ફેબ્રુઆરી ૨૦૨૦માં કરવામાં આવ્યો હતો અને પાંચ વર્ષમાં મંદિરનું નિર્માણ થશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.