નવીદિલ્હી,પ્રધાનમંત્રી મોદી આજે યુએઈ-ક્તારના પ્રવાસે રવાના થયા. તેમણે આ સાથે જ સમગ્ર દેશને એક અનોખી ભેટ આપી છે. પીએમ મોદીએ પીએમ સૂર્ય ઘર: મફત વિજળી યોજના લોન્ચ કરી છે. આ યોજનાનો લક્ષ્યાંક ૩૦૦ યુનિટ સુધી ફ્રી વિજળી આપીને એક કરોડ ઘરોને રોશન કરવાનો છે. પીએમ મોદીએ આ યોજના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ રીતે ટ્વીટ કરીને જાહેરાત કરી. તેમણે કહ્યું કે સતત વિકાસ અને લોકોની ભલાઈ માટે અમે પીએમ સૂર્ય ઘર: મફત વિજળી યોજના શરૂ કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે આ પ્રોજેક્ટમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટનો લક્ષ્યાંક દર મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વિજળી આપીને એક કરોડ લોકોના ઘરને રોશન કરવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ લોકોને મોટી સબસિડી આપવામાં આવશે. જે સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે. આ સાથે જ મોટી છૂટવાળી બેંક લોન પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પર તેના ખર્ચ સંબધિત બોજો ન પડે. તમામ પક્ષોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલમાં એકીકૃત કરવામાં આવશે જેથી કરીને આ યોજનાનો લાભ લેવામાં વધુ સરળતા થઈ શકે.
પીએમ મોદીએ કહ્યું કે જમીન સ્તરે આ યોજનાને લોકપ્રિય બનાવવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને પોતાના અધિકાર ક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમ્સને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે આ યોજના લાગુ થવાથી લોકોની આવક વધશે, વિજળીનું બિલ ઘટશે અને રોજગારીની તકો ઊભી થશે. તેમણે સૌર ઉર્જા અને સતત પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે તમામ રેસીડેનશિયલ કન્ઝૂમર્સ ખાસ કરીને યુવાઓને આગ્રહ કર્યો કે તેઓ વેબસાઇટ પર જઈને અરજી કરીને પીએમ સૂર્ય ઘર: મફત વિજળી યોજનાને મજબૂત બનાવે.