દર ગુરૂવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કરીને રૂ.3000/ની આવક મેળવતા ગોધરાના પ્રતાપપુરા ગામના ખેડૂત દિલીપભાઈ ચૌહાણ

  • શાકભાજી ઉપરાંત તેઓ ખરીફ સીઝનમાં પકવેલા મકાઈ,બાવટો તેમજ વિવિધ કઠોળનું પણ વેચાણ કરે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન વેગવંતુ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજે રાજ્યના લાખો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પધ્ધતિને અપનાવી છે.

પ્રાકૃતિક ખેતીના ખેત પેદાશોના ઉત્પાદન સાથે ખેડૂતોને વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ અને બજાર મળી રહે તે માટે પ્રયાસો કરાયા છે ત્યારે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ કામગીરી હાથ ધરાઇ છે. આ માટે તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરએ પ્રાકૃતિક પેદાશોના વેચાણના સ્થળો માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.

ગોધરા તાલુકા પંચાયત કચેરી ખાતે દર ગુરૂવારે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ શાકભાજીનું વેચાણ શરૂ કરાયું છે. ગોધરા તાલુકાના પ્રતાપપુરા ગામના દિલીપભાઈ ચૌહાણ નામના ખેડૂત અઠવાડિયાના દર ગુરૂવારે અહીં શાકભાજી વેચીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તેઓ અઠવાડિયામાં એક દિવસમાં અહીં રૂ.3000/ની શાકભાજીનું વેચાણ કરે છે. જેનો લાભ તાલુકા પંચાયતમાં આવતા વ્યક્તિઓ અને કર્મચારીઓ લઇ રહ્યા છે. આ ઉપરાંત તેઓ કાંકણપુર હાટ બજાર ખાતે દર રવિવારે પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજી અને ખરીફ સીઝનમાં પકવેલા મકાઈ,બાવટો તેમજ વિવિધ કઠોળનું પણ વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેત પેદાશોનું સારૂં પ્લેટફોર્મ અને ભાવ મળતા તેઓ સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે.