પટેલ ભાઈ…અમેરિકા જાય… ડોલર કમાય, ઉમિયા માના ગુણલા ગાતા જાય…તમે આ ગીત તો ઘણી વાર સાંભળ્યું હશે. પણ હવે અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ લીધેલા એક નિર્ણયે સમગ્ર દુનિયાની સાથે ભારત અને તેમાં પણ ખાસ ગુજરાત અને તેમાં પણ એક ખાસ પટેલ સમાજના લોકોને ચિંતામાં મૂકી દીધા છે.
આમ તો ગુજરાતમાંથી વર્ષોથી લોકો અમેરિકા જાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અમેરિકા ઘૂસવાના કિસ્સામાં ખૂબ જ વધારો થયો છે અને તેમાં પણ મહેસાણા જિલ્લાના ડિંગુચા ગામના પટેલ પરિવારનાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોના અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા સમયે થયેલા મોતના સમાચારે અમેરિકા જવાના ડંકી રૂટ અને તેના ખતરાને લઇને ફરી એકવાર લોકો અને સરકારને હચમચાવી દીધા હતા.
છેલ્લા ઘણા સમયથી ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતથી ગેરકાયદેસર અમેરિકા જનારાઓની સંખ્યા વધી રહી છે. સરહદ સુરક્ષામાં વધારો થયો હોવા છતાં, યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)એ નાણાકીય વર્ષ 2024 દરમિયાન 90,415 ભારતીય નાગરિકોએ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હોવાનો અહેવાલ આપ્યો હતો, જેમાંથી લગભગ અડધા ગુજરાતીઓ હતા.
ઈધર કૂવા ઉધર ખાઈ
ગેરકાયદે અમેરિકા જવાના ક્રેઝમાં લોકો પોતાની જમીન, મકાન વેચે છે અને લાખોનું દેવું કરે છે. આ પછી પણ અનેક દેશ ફર્યા બાદ અને આકરી મહેનત અને જીવના જોખમે માંડ-માંડ અમેરિકા પહોંચે છે. ત્યાં ગયા પછી પણ પકડાઇ જવાનો ભય, રોજગારીની ચિંતા અને વતન-પરિવારનો વિયોગ તો પાછો ખરો જ…..
આવી અસહ્ય પરિસ્થિતિનો સામનો કર્યા બાદ પણ આવા લોકોને અમેરિકા પહોંચવાનો એક સુખદ અહેસાસ હોય છે. તેમને એમ હોય છે કે આ વિકસિત દેશમાં હવે આવનારો સમય સારો રહેશે. પરંતુ જગત જમાદાર અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ લીધેલા એક નિર્ણયે આવા તમામ લોકોનાં સપનાં ચકનાચૂર કરી નાખ્યાં છે.
લાખોનું દેવું કરીને ગેરકાયદે અમેરિકા ઘૂસેલા લોકો જ્યારે ગુજરાત પાછા આવશે ત્યારે તેઓ અહીં કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરશે તે એક મોટો પ્રશ્ન બની રહેશે. કારણ કે અમેરિકા જવા માટે તેમણે પોતાની મિલકત અને લાખોનું દેવું કરી નાખ્યું હશે. તેમને આશા હશે કે અમેરિકામાં રહીને કામ-ધંધો કરીને બધું સેટલ કરી દઇશું પણ હવે અમેરિકન સરકારના આ નિર્ણયે તેમનું આ સપનું તોડી નાખ્યું છે અને આવા અનેક લોકો જ્યારે ગુજરાત પાછા આવશે ત્યારે તેમનો આવનારો સમય કપરો બની જશે.
ટ્રમ્પનો આદેશ શું છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમની સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા લોકોનાં બાળકોને અમેરિકાના નાગરિક તરીકે માન્યતા આપશે નહીં. ટ્રમ્પે ફેડરલ એજન્સીને આદેશ આપ્યો છે કે 30 દિવસ પછી આવાં બાળકોને નાગરિકતાના દસ્તાવેજો જારી ન કરવામાં આવે.
ટ્રમ્પ લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે કાનૂની દરજ્જા વિના ઇમિગ્રન્ટ્સનાં બાળકોને યુએસ નાગરિકતા આપવી તેમને સ્વીકાર્ય નથી.
અમેરિકામાં જન્મ્યા પછી કોને નાગરિકતા નહીં મળે?
- બાળકના જન્મ સમયે તેની માતા ગેરકાયદે રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં હતી અથવા તેના પિતા યુએસ નાગરિક ન હતા અથવા કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા ન હતા.
- બાળકના જન્મ સમયે માતા કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતી હોય, પરંતુ કામચલાઉ ધોરણે (જેમ કે વિઝા માફી કાર્યક્રમના માધ્યમથી અમેરિકા આવી હોય અથવા વિદ્યાર્થી, વર્ક અથવા ટૂરિસ્ટ વિઝા પર આવી હોય), અથવા તેના જન્મ સમયે તેના પિતા યુ.એસ. નાગરિક ન હોય અથવા કાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા ન હોય.
ગેરકાયદે ભારતીયોને હાંકવાની પ્રક્રિયા શરૂ સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા ટ્રમ્પે તેમના વચન મુજબ સામૂહિક દેશનિકાલ માટે પાયો નાખ્યો છે. તેમાં અધિકારીઓને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે અટકાયતની જગ્યા તાત્કાલિક વધારવા અને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે કરારો વધારવા માટે હાકલ કરવામાં આવી છે, જેથી તેમને ઇમિગ્રેશન અધિકારીઓ તરીકે રજૂ કરી શકાય.
ટ્રમ્પના આદેશમાં બીજું શું કહેવામાં આવ્યું? આદેશમાં કહેવાયું છે કે કહેવાતા આ 287(g) કરારો હેઠળ, સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને હોમલેન્ડ સિક્યોરિટી સચિવના નિર્દેશ અને દેખરેખ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશીઓની તપાસ, ધરપકડ અથવા અટકાયતની દેખરેખ રાખવાની મંજૂરી આપવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે “મારી સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક અમેરિકન લોકોને ગેરકાયદે સામૂહિક સ્થળાંતર અને પુનર્વસનના વિનાશક પ્રભાવોથી બચાવવાની છે. મારું વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના આ અભૂતપૂર્વ ધસારાને રોકવા માટે ઉપલબ્ધ તમામ સંસાધનો અને અધિકારીઓને એકત્ર કરશે.
ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રેશનને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી, પેન્ટાગોનને સરહદી દીવાલના નિર્માણ, અટકાયત કેન્દ્રો અને સ્થળાંતર કરનારાઓના પરિવહન માટે સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો અને સંરક્ષણ સચિવને જરૂર મુજબ સરહદ પર સૈનિકો મોકલવાનો અધિકાર આપ્યો છે.
અત્યારસુધી શું વ્યવસ્થા હતી?
જો કોઈ બાળક અમેરિકામાં જન્મે છે તો તેને આપમેળે અમેરિકન નાગરિક ગણવામાં આવે છે. પછી ભલે તેનાં માતા-પિતા અમેરિકન હોય કે નહીં. ઉપરાંત જો બાળકનાં માતા-પિતા અહીં ગેરકાયદે રીતે આવ્યાં હોય અને બાળકનો જન્મ અમેરિકામાં થયો હોય તો તેને પણ અમેરિકન નાગરિક ગણવામાં આવશે.
આ નિર્ણય કેમ લીધો? ડોનાલ્ડ ટ્રમ્પ માને છે કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સે યુ.એસ.માં જન્મથી નાગરિકતા મેળવવાના બાળકના અધિકારનો ખૂબ જ દુરુપયોગ કર્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પનો એક્ઝિક્યુટિવ ઓર્ડર સીધો યુએસ બંધારણના 14મા સુધારાને ટાર્ગેટ કરે છે. ટ્રમ્પ આ કાયદા તેમજ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખૂબ જ ગુસ્સે છે.
ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં એમ પણ કહ્યું છે કે તેઓ 14મા સુધારાનું પહેલાં કરતાં અલગ રીતે અર્થઘટન કરશે. તેમણે એવી પણ દલીલ કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલા દરેક વ્યક્તિ માટે નાગરિકતાના વિસ્તાર કરવા માટે તેની વ્યાખ્યા ક્યારેય કરવામાં નથી આવી.