આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાપુતારા સહીત છુટા છવાયા વિસ્તારોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા જ્યારે ગલકુંડ વિસ્તારના ડુંગર પર વાદળ ફાટતા હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થયો હતો. હવામાન વિભાગે તારીખ ૧૫ અને ૧૬ ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે ડાંગ ઉપરાંત નવસારીમાં પણ વરસાદી માહોલ છે. અહીં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા.
ડાંગમાં વરસાદ સાથે જ સમગ્ર વાતાવરણ આહલાદક બની ગયું છે. અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારના ડુંગર પર ધોધમાર વરસાદ થયો
મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી, ડાંગ વિસ્તારમાં આજના દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને આગાહી અનુસાર ડાંગમાં આજે મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે.