વડોદરા, વડોદરા પાસે પાદરામાં પત્ની જોડે જમવા બાબતે થયેલા ઝઘડાનો કરૂણ અંત આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં દંપતિ વચ્ચે જમવાને લઇને ઝઘડો થયો હતો. જે બાદ પતિને મનમાં લાગી આવ્યું હતું. જે બાદ તેણે જે પગલું ભર્યું તે કરૂણ અંત તરફ લઇ ગયું હોવાનું નોંધાયું હતું.
વડોદરા પાસે પાદરામાં રહેતા ચોકારી, ટાવર પાસે સીમ વિસ્તારમાં વૈશાલીબેન પ્રવિણભાઇ પઢીયાર (ઉં. ૩૭) અને પ્રવિણભાઇ મહિપતભાઇ પઢીયાર (ઉં. ૩૭) દંપતિ રહેતું હતું. તાજેતરમાં ૧૧ એપ્રિલના રોજ. સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં દંપતિ વચ્ચે જમવાની બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો થયા બાદ પતિ પ્રવિણભાઇ મહિપતભાઇ પઢીયારને મનમાં લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગેની જાણ થતા જ તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની વડું સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
વડું હોસ્પિટલમાં પ્રવિણભાઇ મહિપતભાઇ પઢીયારને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યાં તેમની તબિયત લથડી હોવાનું યાને આવતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. વડોદરામાં તેઓને ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર હાલતમાં તેઓની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેવામાં ૧૩, એપ્રિલના રોજ પ્રવિણભાઇ મહિપતભાઇ પઢીયારનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ઘટનાને લઇને પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
આ અંગે વડું પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ દાખલ કરવામાં આવી છે. જે બાદ વડું પોલીસ દ્વારા આ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ મૃતદેહની વધુ કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરાઇ હોવાનું સુત્રો ઉમેરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જમવા જેવી બાબતથી શરૂ થયેલા ઘટનાક્રમનો કરૂણ અંત તમામને વિચારતા કરી દે તેવો છે.