
ભાવનગર,
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિ-પત્ની વચ્ચે ઘરેલું ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો છે. રંધોળા ગામમાં આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાને વારંવાર પતિ સાથે ઝઘડા થતાં હતા. જેનો આજે કરૂણ અંજામ આવ્યો છે. પતિએ હથિયારના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હતી. જોકે, ત્યાંથી ફરાર થયેલા પતિનું પણ રંધોળા ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે મોત નીપજ્યું હતું. આમ, પતિ અને પત્ની બંનેના મોત નિપજ્યા હતા.
આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં આવેલી ઓમકાર સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી અને સ્કૂલના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતી મોનિકાબેન અનિલકુમાર જૈન (ઉં.વ.૩૫)ને તેના પતિ અનિલકુમાર જૈન સાથે અવારનવાર ઝઘડો થતો હતો. ગત રાત્રીએ દંપતી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા વાત વણસી હતી અને ઉશ્કેરાઈ ગયેલા પતિ અનિલ જૈને તેના પત્ની મોનિકાબેનને કોઈ હથિયાર વડે માથાના ભાગે તેમજ કપાળ અને હાથના ભાગે આડેધડ ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હલતે મોનિકાબેનને સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સ્કૂલના હિતેશભાઈ કનૈયાલાલ દવેએ ઉમરાળા પોલીસમાં તેના પતિ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાનમાં પત્નીને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી પતિ અનિલકુમાર જૈન ભાગવા જતા રાત્રીના એક વાગ્યા આસપાસ રંધોળા પાસે આવેલા ટેલિફોન એક્સચેન્જના નાળા પાસે અકસ્માત થયો હતો. અજાણ્યા વાહનની અડફેટે આવી જતા અનિલ જૈનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથક અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધમાં અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી.