દામોદર કુંડની દુર્દશા જોઈને દ્રવી ઉઠ્યો ગુજરાતના જાણીતા કથાકારનો આત્મા

જૂનાગઢમાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વક્તાએ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. જોશીપુરામાં યોજાયેલ ભાગવત કથાના છેલ્લા દિવસે મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી દામોદર કુંડની દુર્દશા મુદ્દે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે વ્યાસપીઠ પરથી વ્યથા ઠાલવી હતી.

ભાગવત કથામાં કથાકાર મનોજ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો. ભગવાન શ્રીકૃષ્ણ ૫૨ વખત જુનાગઢ દામોદર કુંડ આવ્યા હતા. ભાજપના સાંસદ, ધારાસભ્ય, ભાજપની મનપામાં બોડી છતાં કેમ ન થયો દામોદર કુંડનો વિકાસ? તળાવના બ્યૂટીફિકેશન કરવા કરતાં તંત્ર કરે દામોદર કુંડનો ઉદ્ધાર.

નરસિંહ મહેતાના કારણે ભગવાન જ્યારે આવતા ત્યારે તે દામોકુંડમાં આવતા તે દામોકુંડની હાલત આજે કેવી છે તે ઉપરથી આ શાીજી બોલ્યા હતા. આ સાથે જ દામોદર કુંડના વિકાસ માટે આવતા પૈસા સગેવગે થયાના મનોજ શાીએ આક્ષેપ કર્યા હતા. જુનાગઢ મનપા તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

દામોદર કુંડ અને દામોદરજી મંદિરનું જેટલું પૌરાણિક મહત્વ છે તેટલું જ આધ્યાત્મિક મહત્વ પણ છે. ભાવિકો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને ભગવાન રાધાદામોદરજી રેવતીબલદેવજી સૌના મનોરથ પૂર્ણ કરે છે. પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવાનું પણ મહત્વ છે, જે રીતે ગંગા અને યમુના સ્નાનનુ મહત્વ છે તે જ રીતે દામોદરકુંડમાં સ્નાન કરવાથી પાપ મુક્ત થઈ લોકો પુણ્યની પ્રાપ્તિ કરે છે. ભક્ત કવિ નરસિંહ મહેતા પણ દરરોજ દામોદર કુંડમાં સ્નાન કરવા આવતાં અને અહીં ભજનો ગાતાં, ગીરી તળેટીને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય… જેવા પદો આપણે સાંભળતા આવ્યા છે તે જ આ પવિત્ર દામોદર કુંડ અને દામોદરજી મંદિર જૂનાગઢની પૌરાણિક ધરોહર છે. અહીં ભગવાન રાધા દામોદરજી સાથે રેવતી બલદેવજી પણ બિરાજે છે અને ભારતના પ્રાચિનતમ તિર્થો પૈકીનું એક તિર્થસ્થાન છે. હાલનું શ્રીરાધા દામોદરજી મંદિર ભગવાન શ્રીકૃષ્ણના વંશજ રાજા વજ્રનાભે બંધાવ્યું હતું અને ત્યારબાદ સ્કંદગુપ્ત દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.