ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓને દબોચી લીધા, અત્યાર સુધીમાં કુલ ૮ આરોપીની કરાઇ ધરપકડ

ભાવનગર,રાજ્યમાં બહુચર્ચીત ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓેને દબોચી લીધા હતા. આ બે આરોપી સહિત અત્યાર સુધી ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહની ધરપકડ કરી છે.

રાજ્યમાં ભાવનગર ડમીકાંડ મામલે છેલ્લા ઘણા દિવસથી પોલીસ કાર્યવાહી કરી રહી છે. આજે ડમીકાંડમાં એસઆઈટીએ બે આરોપી મિલન ઘુઘાભાઈ બારૈયા અને વિરમેદસિંહ નાગભા ગોહિલને ઝડપી લીધા હતા. પોલીસે આ બંને આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમીકાંડમાં ૩૬ આરોપીઓ અને આજે ઝડપાયેલા બે આરોપીઓનો વધારો થતા કુલ ૩૮ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસની તપાસ દરમિયાન ઝડપાયેલા બે આરોપીમાંથી ૪૨ વર્ષીય વિરમદેવસિંહ ગુજરાત એસટી વિભાગમાં ફરજ બજાવે છે. આ બંને આરોપી મિલન ઘુઘાભાઈ બારૈયા સરતાનપર અને વિરમદેવસિંહ નાગભા ગોહિલ ઉમરાળા વડોદ તાલુકાના રહેવાસી હોવાની માહિતી મળી છે.

ભાવનગર ડમીકાંડમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે. આજે ઝડપાયેલા આરોપીમાંથી મિલન ઘુઘા બારૈયા સાત કરતા વધુ પરીક્ષામાં ડમી પરીક્ષા આપી હતી. મિલને સરકારી વિવિધ પરીક્ષા અને ધોરણ ૧૨ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. ભાવનગર ઉપરાંત મિલને અમરેલીમાં પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મિલન ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે ૨૫ હજાર જેટલા રુપિયા લેતો હતો.