ભાવનગર,ભાવનગર ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવાને જીપીએસએસબીના અધ્યક્ષ હસમુખ પટેલે ફગાવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે યુવરાજના દાવાને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ૭૦થી ૮૦ નહીં પરંતુ ૮ થી ૧૦ જ નામ આપ્યા હતા.
આપને જણાવી દઇએ કે અગાઉ યુવરાજસિંહે ડમીકાંડના ખુલાસા વખતે હસમુખ પટેલને ૭૦થી ૮૦ લોકોના નામો આપ્યાનો દાવો કર્યો હતો. જોકે આ દાવા પર હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, યુવરાજે માત્ર ૭થી ૧૦ જ નામો જ આપ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું કે યુવરાજ મારી પાસે આવ્યો હતો અને ચારથી પાંચ લોકોના નામ આપ્યા હતા. જ્યારે મેસેજ દ્વારા અન્ય નામો આપ્યા હતા. આ તમામ નામો ગુજરાત એટીએસને આપ્યાની પણ તેઓએ માહિતી આપી.
મહત્વપૂર્ણ છે કે યુવરાજસિંહ પર તેમના જ નજીકના મિત્ર બિપિન ત્રિવેદીએ રૂપિયા ૫૫ લાખ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ યુવરાજસિંહની કામગીરીને લઇને શંકા-કુશંકાઓ વહેતી થઇ હતી. ત્યારે દરેક આરોપનો સામી છાતીએ જવાબ આપવા ટેવાયેલા યુવરાજસિંહ હસમુખ પટેલની સ્પષ્ટતા વિશે ફોડ પાડે છે કે કેમ તે જોવું રહ્યું.