દમણ, સંઘ પ્રદેશ દમણમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં યુવા ભાજપના નેતાની ગુરૂવારે (૯મી મેએ) રાત્રે મોટાભાઇએ નાનાભાઇ પર છરાના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરાતા પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. હત્યા પાછળ જમીન વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે હત્યારા મોટાભાઇની અટક કરી સઘન પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દમણ ભાજપના યુવા નેતા વિકી હરીભાઇ ટંડેલ (કાશી) (ઉ.વ.૩૮) બોરાજીવા શેરીમાં રહે છે. ગુરૂવારે રાત્રે વિકી ધરેથી બહાર જતો હતો. તે દરમિયાન મોટાભાઇ અશોક કાશી ઉર્ફે અશોક હરીભાઇ ટંડેલ સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ અશોક કાશી ઉશ્કેરાઈ જઇને વિકીના શરીર પર છરા વડે ઉપરાછાપરી ઘા ઝીંકીને હુમલો કરી દીધો હતો.
આ ઘટનાને પગલે પરિવાર સહિત શેરીના રહીશો દોડી ગયા હતા. તાત્કાલિક વિકીને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જો કે તેની સારવાર કારગત નિવડે તે પહેલા જ ડૉક્ટરે વિકીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ અધીકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઇ સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળ અને આસપાસમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી મોટાભાઇ અશોક કાશીની ધરપકડ કરી હતી. પોલીસે પરિવારજનો સહિત લોકોની પૂછપરછ પણ કરી છે. નાનાભાઇની હત્યા પાછળ જમીનનો વિવાદ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. છેલ્લા લાંબા સમયથી રિગણવાડામાં આવેલી કરોડોની જમીનના મુદ્દે ઝઘડો ચાલતો હતો.