જયપુર,
રાજસ્થાનની પ્રથમ મહિલા બોડી બિલ્ડર પ્રિયા સિંહ મેઘવાળે વિદેશની ધરતી પર ગોલ્ડ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે, ત્રણ વખત મિસ રાજસ્થાન બોડી બિલ્ડર ચેમ્પિયન રહી ચુકેલી પ્રિયા સિંહ મેઘવાળે થાઈલેન્ડમાં થયેલી વર્લ્ડ બોડી બિલ્ડીંગ ચેમ્પિયશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પણ ગોલ્ડ મેડલ જીતીને પણ પ્રિયા નિરાશ છે. તેનું કારણ એ છે કે, ભારત પરત ફરતા જયપુર એરપોર્ટ પર તે ઉતરી, તો સરકાર તરફથી તેનું સ્વાગત કરવા માટે કોઈ નહોતું. અહીંથી પ્રિયા કાર દ્વારા પોતાના ઘરે આવી હતી. કહેવાય છે કે, સરકાર તરફથી પ્રિયા સિંહની આટલી મોટી સિદ્ધિને નજરઅંદાજ કરવામાં આવી રહી છે.
ગોલ્ડ મેડલ જીતવા પર સરકાર તરફથી તેમનું માન સન્માન થવું જોઈએ. હકીક્તમાં જયપુરની પ્રિયા સિંહ મેઘવાળે થાઈલેન્ડના પટાયામાં ૩૯મી આંતરરાષ્ટ્રીય મહિલા બોડી બિલ્ડીંગ હરીફાઈમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની આ જીતથી સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ રોશન થયું છે. પ્રિયા સિંહ મેઘવાળે કહ્યું કે, બીજા રાજ્યોની માફક રાજસ્થાનમાં ખેલાડીઓને સન્માન નથી મળતું.
ઈંટરનેશનલ ખિતાબ પોતાના નામે કર્યા બાદ પ્રિયા સિંહના નામની કોઈ ચર્ચા નથી. રાજસ્થાન સરકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેડલ જીતનારા ખેલાડીઓને ઉચ્ચ સન્માન આપે છે. તો વળી સરકારે પ્રિયા તરફ જોયું પણ નથી.
જો કે, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડ સહિત તમામ ભાજપના નેતાઓએ ટ્વિટ કરીને પ્રિયા સિંહને શુભકામનાઓ આપી હતી, પણ રાજ્યની સરકાર પ્રિયા સિંહને નજરઅંદાજ કરી રહી છે.
બોડી બિલ્ડર પ્રિયા સિંહ મેઘવાળે કહ્યું કે, રાજસ્થાન સરકાર પાસેથી સન્માન તો દૂરની વાત છે, ગોલ્ડ મેડલ જીતવા છતાં પણ કોઈ ચર્ચા પણ નથી કરતું. તેને લઈને પ્રિયા સિંહ થોડી અસહજ થઈ ગઈ હતી. જો કે, તેણે કહ્યું કે, દેશના અન્ય રાજ્યોમાં ખેલાડીઓને જે માન સન્માન મળે છે, તેવું રાજસ્થાનમાં નથી મળતું. એટલા માટે રમતમાં રાજસ્થાન હંમેશા પાછળ રહે છે, તેના કારણે સરકાર નજરઅંદાજ કરે છે.