
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે કરવામાં આવી હતી ત્યારે આજે 24 જુલાઇએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી હતી. મધ્ય ગુજરાતના બોરસદમાં 4 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સરેરાશ એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. આ દરમિયાન વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે.
બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 7 ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના પગલે જિલ્લા શિક્ષણ કચેરી વડોદરા દ્વારા અતિ ભારે વરસાદના પગલે શહેરમાં પાણી ભરાઇ જવાના કારણે રજા જાહેર કરવામાં આવી છે. તો બીજી તરફ ભરૂચ જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે હવામાન વિભાગન દ્વારા જાહેર કરવામાં એલર્ટના ધ્યાનમાં રાખી સુરક્ષાના ભાગ રૂપે 24 જુલાઈ 2024ના બુધવારના રોજ આમોદ, જંબુસર, વાગરા સિવાય તમામ તાલુકાની શાળાઓ-કોલેજો અને આંગણવાડીઓમાં શિક્ષણકાર્ય બંધ રહેશે અથવા તો ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સુરત જિલ્લામાં વહેલી સવારથી જ પડી રહેલા વરસાદના કારણે સીમાડા તથા ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે અને અન્ય ખાડીઓ પણ બન્ને કાંઠે વહેતી થઈ છે. જેના કારણે ખાડી કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. આ ઉપરાંત બે ખાડી ઓવરફ્લો થતા અનેક રોડ પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. આજે છેલ્લા 8 કલાકમાં વડોદરા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11, વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, વડોદરા શહેરમાં ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવાર રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના લીધે શહેરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં જળમગ્ન બન્યા છે. ભરૂચના ગાયત્રી મંદિર, એશિયાડ નગર, નિરાંત નગર સહિત દીવા રોડ પર આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર બેટ જેવી સ્થિતિ સર્જાઇ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 5 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, હાંસોટમાં 5 ઇંચ, વાલિયા અને વાગરામાં 4 ઇંચ, જંબુસરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ 10 તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકામાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચીખલી, માંડવી, ચોર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ 10 તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડિયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ 12 તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાળિયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, દેડિયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સૂત્રાપાડા મળીને કુલ 13 તાલુકામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ 14 તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ 10 તાલુકાઓમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ 21 તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
નવસારી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આજે અહીં ભારે વરસાદ થતાં અનેક સ્થળો પાણીથી ભરાઈ ગયા છે. શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા છે. હાલ લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે.નવસારી જિલ્લામાં આવેલા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જિલ્લામાં આવેલી ત્રણેય નદીઓ બે કાંઠે વહી રહી છે. નદી-નાળામાં પાણીની આવક વધતાં જિલ્લા પંચાયત હસ્તકના ૭૮ માર્ગો બંધ કરવાનો આદેશ પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે.નવસારીના વેડછા ડામર, અડડા રોડ, જલાલપુર તાલુકામાં તવડીનો એપ્રોચ રોડ, ચીખલી તાલુકામાં બામણવેલ દોણજા, હરણ ગામ રોડ, ચીખલીના પીપળ, આમ ધરા મોગર વાળી રૂમાલ રોડ બંધ કરવામાં આવ્યો છે.ભારે વરસાદ પડતા નવસારી શહેરમાં આવેલા વોર્ડ નંબર ૧૩ ના દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા ૫૦થી વધુ પરીવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના ૧૯ ડેમમાંથી ૧૬ ડેમ ઓવરફ્લો થયા છે. પાણીના પ્રકોપથી ૯૬ ગામ પ્રભાવિત થયા છે. ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ ૬૫ રસ્તા બંધ કરવામાં આવ્યા છે.વરસાદમાં અત્યાર સુધી કુલ ૨૭ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ૧૨૩૮ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વરસાદના કારણે જૂનાગઢમાં ૩ લોકોના મૃત્યુ છે. ભારે વરસાદના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યુ છે. એનડીઆરએફની એક ટીમ કેશોદ ખાતે તૈનાત કરવામાં આવી છે. તેમજ જીડ્ઢઇહ્લની એક ટીમ જૂનાગઢ ખાતે તૈનાત કરવામાં આવી છે.
બીજી તરફ ઓઝત ૨ ડેમના ૮ દરવાજા ૩ ફૂટ ખોલવામાં આવ્યા છે. ૨૦ હજાર ક્યુસેક પાણીની આવકની સામે એટલી જ જાવક છે. ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે. વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. ઓઝત નદીનાં સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે.ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ હજુ પણ વધારે સ્ટ્રોંગ બનશે. ખાસ કરીને આગામી ૫ દિવસ દરમ્યાન રાજ્યભરમાં ઠંડરસ્ટોર્મની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે.હવામાન વિભાગ દ્વારા વરસાદી સિસ્ટમોને યાને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુચના આપી દેવામાં આવી છે. હાલ માછીમારીઓએ પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.હવામાન વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યુંકે, હાલ જે પ્રકારે ગુજરાત પર અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે એમાં પવનની ગતિ વધશે. ૪૫ કિ.મી.થી લઈને ૬૫ કિ.મી. સુધી રહેશે પવનની ઝડપ. તેજ રફતારથી ફૂંકાશે પવન.