દક્ષિણ કોરિયા-અમેરિકા સૈન્ય અભ્યાસ પૂરો થતાં જ ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડી, તણાવ વધ્યો

ટોકયો, ઉત્તર કોરિયાએ ફરી એકવાર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ઉત્તર કોરિયાએ સોમવારે સવારે તેના પૂર્વીય પ્રાદેશિક જળ સીમા તરફ ઘણી શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. ઉત્તર કોરિયા દ્વારા આ મિસાઇલો એવા સમયે છોડવામાં આવી છે જ્યારે હાલમાં જ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ સમાપ્ત થયો છે. ઉત્તર કોરિયાની આ કાર્યવાહીથી કોરિયન દ્વીપકલ્પમાં તણાવ વધી ગયો છે.

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ સંસદીય સત્રમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ કોરિયન દ્વીપકલ્પ અને જાપાન તરફ ઘણી બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, જે જાપાનના વિશિષ્ટ આથક ક્ષેત્રની બહાર પડી હતી. આ મિસાઈલોથી કોઈ નુક્સાન થયું નથી. જાપાને આના પર સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તે જાપાન, પ્રાદેશિક શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે ખતરો છે. જાપાને કહ્યું કે તે યુએન સુરક્ષા પરિષદના ઠરાવનું પણ ઉલ્લંઘન કરે છે જેમાં ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલ સંબંધિત પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

દક્ષિણ કોરિયાની સેનાએ પણ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓએ કેટલીક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલો શોધી કાઢી છે. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું છે કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને સર્વેલન્સ કરી રહ્યા છીએ. દક્ષિણ કોરિયા અને અમેરિકાની સેનાઓ વચ્ચે ૧૧ દિવસ લાંબી સંયુક્ત કવાયત ગયા ગુરુવારે સમાપ્ત થઈ ગઈ. આ કવાયત દરમિયાન બંને દેશોની સેનાઓએ કમાન્ડ પોસ્ટ ટ્રેનિંગ અને ૪૮ પ્રકારની ફિલ્ડ એક્સરસાઇઝ કરી હતી. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાએ આ દાવપેચથી નારાજ થઈને મિસાઈલ છોડી હતી.

કોરિયન દ્વીપકલ્પમાં ૨૦૨૨ થી તણાવ ચાલી રહ્યો છે. હકીક્તમાં, ઉત્તર કોરિયા ૨૦૨૨ થી સતત મિસાઇલ પરીક્ષણ કરી રહ્યું છે. આ મિસાઈલ પરીક્ષણોમાં અનેક પરમાણુ શો લઈ જવામાં સક્ષમ મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોના જવાબમાં દક્ષિણ કોરિયાએ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં વધારો કર્યો છે.