દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી રાખનાર કુખ્યાત બુટલેગર અશોક મારવાડી ઝડપાયો, આરોપીનો મોટો ગુનાહિત ભૂતકાળ

ગુનાઓની ખુબ લાંબી ક્રાઇમ હિસ્ટ્રી ધરાવતા કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે(Bharuch Crime Branch) ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલા(liquor smuggling)થી દોડતી રાખે છે. આરોપી 6 ગુનાઓમાં વોન્ટેડ જયારે 26 ગુનાઓમાં આરોપી છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ દ્વારા LCB ની ટીમને ભરૂચ જીલ્લામાં ભૂતકાળના સમયમાં પ્રોહિબિશન(Prohibition)નો મોટી માત્રામાં જથ્થો પકડાયેલ હોય તેવા ગુનાઓમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ વોન્ટેડ હોય તે આરોપીઓને સ્તવરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી  સઘન પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા.

LCB  પોલીસ સબ ઇન્સપેક્ટર પી એમ વાળા નાઓની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભરૂચ , નર્મદા અને સુરત ગ્રામ્ય જીલ્લાના દારૂની બદીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી અશોક મારવાડી રહેવાસી – માંગરોળ(સુરત) મોસાલી ચોકડી નજીક XUV 300 કર્મ ફરી રહ્યો છે.  બાતમીના આધારે માંગરોળ નજીક મોસાલી ચોકડી ખાતે વોચમાં રહી પોલીસે કુખ્યાત આરોપી અશોક મારવાડીને XUV300 કાર સાથે ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે.

અશોક મારવાડીએ ત્રણ જિલ્લામાં કુલ 7 ગુનાની કબુલાત કરી છે. આ આરોપી 9વર્ષથી દારૂની બદી  ફેલાવી રહ્યો છે. આરોપીને ત્રણ વખત પાસા(PASA) થયેલ છે અને તે મહેસાણ જેલ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી આવેલ છે હાલ સુધીની તપાસમાં આ બુટલેગરનું કાર્યક્ષેત્ર ભરૂચ સુરત ગ્રામ્ય નર્મદા, વલસાડનું સામે આવ્યું છે.

કુખ્યાત બુટલેગરને ઝડપી પાડવામાં PSI પી.એમ.વાળા સાથે પોલીસકર્મીઓ હીતેષભાઇ, શ્રીપાલસિંહ, વિશાલભાઈ,સંજયદાન, અજયભાઇ, ધર્મેન્દ્રસિંહ, ગુલાબભાઈ, નરેશભાઇએ જહેમત ઉઠાવી હતી.

ભરૂચ સબ જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી પ્રવિણભાઇ ગોમાનભાઇ વસાવા મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના ગુહા ગામ ખાતે ભારત એન્ટરપ્રાઇઝ નામની ટાયર પંચરની દુકાનમાં કામ કરે છે જે બાતમી હકીકત આધારે પોલીસે ખાનગી વાહનમાં ઉપરોક્ત બાતમીવાળી ભારત ટાયર એન્ટરપ્રાઇઝ દુકાનમાં તપાસ કરતા આરોપી પ્રવિણભાઇ ગોમાનભાઇ વસાવાનો મળી આવતા તેને પકડી લઇ સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે ખાતે સોંપી ભરૂચ સબ જેલ ખાતે જાણ કરવામાં આવેલ છે.

ઝડપાયેલ  આરોપી  પ્રવિણભાઇ ગોમાનભાઇ વસાવા ઉ.વ.૩૪ રહે, નિશાળ ફળીયું, ધંતુરીયા તા-અંક્લેશ્વર જી-ભરૂચ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.