
સુરત,સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી મોટા સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે વરણી કરવામાં આવી હતી. જેમાં ૮૪ વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈને પ્રમુખ તરીકે અને હર્ષદ પટેલની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.
એપીએમસીના હોદ્દેદારોની નિમણૂક કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. સંદીપ દેસાઈનું નામ પહેલાથી જ એપીએમસીના પ્રમુખ તરીકે ખૂબ જ મજબૂત રીતે લેવાતું રહ્યું હતું અને આખરે પાર્ટી દ્વારા જે મેન્ડેડ આપવામાં આવ્યો છે, તેમાં સંદીપ દેસાઈનું નામ જ જાહેર કરવામાં આવ્યું છે. પહેલાંથી જ આખી ગોઠવણ થઈ ગઈ હતી અને તેના મુજબ જ નામ જાહેર કરીને બાકીની તમામ પ્રકારની ઔપચારિક્તાઓ પૂરી કરી લેવામાં આવી હતી.
સુરત એપીએમસીનો અંદાજે ૨૫૦૦ કરોડ કરતાં વધારે ટર્નઓવર સાથે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એપીએમસી હોવાને કારણે વહીવટ પણ ખૂબ જ મોટો છે. પાર્ટી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ જાહેર કરવા પહેલાં અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં ખેડૂતની ૧૦ અને વેપારીની ૪ મળી ૧૪ બેઠક બિનહરીફ થઈ હતી. એપીએમસીમાં ખેડૂતની ૧૦ વેપારીઓની ૪ મંડળી પ્રતિનિધિની ૨ પાલિકા ૧, જિલ્લા રજિસ્ટ્રાર અને ૧ ખેતીવાડી અધિકારીની મળીને કુલ ૧૯ બોર્ડ ડિરેક્ટર્સ થશે. તમામ પ્રતિનિધિઓના અને હોદ્દેદારોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.