દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ : નવસારી-વલસાડ જળબંબાકાર થયું

વલસાડ, દક્ષિણ ગુજરાત હાઈએલર્ટ પર છે. આગામી ૪ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડયો છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને, સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ધોધમાર વરસાદ તૂટી પડશે.દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર વધ્યું છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં બે કલાકમાં બે ઇંચ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના સાત તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ તૂટી પડ્યો છે.

વહેલી સવારથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યાં છે. રાજ્યમાં બુધવારે સવારે છ થી આઠ વાગ્યા દરમ્યાન ૪૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં માંડવી, ચિખલી, ખેરગામમાં ધરમપુર, વલસાડ વાંસદા અને પારડીમાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ કારણે વલસાડ, સુરત, વાલોડમાં ચારેતરફ પાણી ભરાયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના બારડોલીમાં ૬ ઇંચ વરસ્યો છે. તો સુરતના મહુવામાં ૫.૫ ઇંચ જેટલો વરસાદ નોધાયો છે. આ ઉપરાંત તાપીના વલોદમાં પણ ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના નવસારી શહેરમાં મંગળવારે ૫ ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો હતો. સુરતના પલસાણા નવસારીના ગણદેવી અને વલસાડના વલસાડ સિટીમાં ૪.૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપુર તાપીના વ્યારા અને વલસાડના પારડીમાં ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જિલ્લામાં સતત ૩ દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા માત્ર એક ઇંચ વરસાદમાં વલસાડ શહેરના દાણા બજાર,છીપવાડ હનુમાન મંદિર , સ્પોર્ટ કોમ્પ્લેક્ષ અને મોગરવાડી અંદર પાસમાં પાણી ભરાય જવા પામ્યા હતા પાલિકા દ્રારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરી કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં એક ઇંચ વરસાદમાં જ પાણી ભરાય જવાના કારણે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે તો પાણી ભરાવાના કારણે દર વર્ષે શહેરી જનોએ હાલાકી વેઠવાનો વારો આવે છે

તાપીના વાલોડ તાલુકા માં પડેલા ધોધમાર વરસાદને લઈ પાદર ફળિયા, બાયપાસ નજીક અને નુરી ફળિયામાં પાણી ભરાયા છે. રાત્રિ દરમ્યાન પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે. વાલોડ ગ્રામ પંચાયત દ્વારા પ્રિ મોન્સુન કામગીરી નહિ કરવામાં આવી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. વાલોડ મામલતદાર ને જાણ કરતા તાત્કાલિક ચેમ્બર સાફ કરાવવાની સૂચના અપાઈ છે.

સુરતમાં મોડી રાત્રે મોતી વાલા પરફ્યુમની ગલીમાં વરસાદના કારણે પાણી ભરાયા હતા. ભરાયેલા પાણીમાં એક કાર પણ ફસાઈ હતી, જેમાં સવાર એક પરિવાર પણ પાણીમાં ફસાયો હતો. આ પરિવારને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયો હતો. ફાયર વિભાગે કારમાં ફસાયેલા બે વ્યક્તિ અને ૩ બાળકોને સલામત રીતે બહાર કઢાયા હતા. સુરતના લાલગેટ વિસ્તારમાં આ ઘટના બની હતી.