દક્ષિણ બ્રાઝિલમાં અનરાધાર વર્ષા : રાયો ગ્રાન્ડે પાસેની નદીમાં પ્રચંડપૂર, ૧૦નાં મોત

રાયો દ’જાજારો, વિશ્વમાં સૌથી વધુ ગાઢ જંગલો ધરાવતા અને વિશ્વમાં સૌથી વધુ જળપ્રવાહ ધરાવતી મહાનદી એમેઝોનના દેશ બ્રાઝિલમાં દક્ષિણ વિસ્તારમાં તો અનરાધાર વર્ષાએ તબાહી મચાવી દીધી છે. દક્ષિણનાં રાયો ગ્રાન્ડ શહેર પાસેની નદીમાં પ્રચંડ પૂર આવતાં ૧૦નાં મોત થયાં છે, ૨૧ હજી લાપતા છે, પૂર અને વર્ષાને લીધે મૃત્યુઆંક વધવાની ભીતી સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ ભારતનો મિત્ર દેશ છે, બ્રિક્સ સમુહનો તે સભ્ય છે. ભારત પછી જી-૨૦નું પ્રમુખ પદ ક્રમાનુસાર બ્રાઝિલને ફાળે ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦નો સિમ્બોલ સ્વહસ્તે જ પ્રમુખ લુલા દ’સિલ્વાને આપ્યો છે.છેલ્લા કેટલાયે દિવસોથી બ્રાઝિલ અનરાધાર વર્ષા અનુભવી રહ્યું છે. જૈ પૈકી દક્ષિણ બ્રાઝિલમાંના ધોધમાર વર્ષાએ માઝા મુકી છે, બુધવારે સાંજે યોજેલી પત્રકાર પરિષદમાં રાજ્યના ગવર્નર એડયુઆર્ડો લીટેએ કહ્યું હતું કે અત્યારે તો આપણે ઇતિહાસમાં નોંધાયેલી એક કટોકટીની સ્થિતિ અનુભવી રહ્યાં છીએ, સાથે તેવું લાગે છે કે કમનસીબે પરિસ્થિતિ હજી પણ બગડવા સંભવ છે.

ગવર્નર લીટેએ પ્રમુખ લુલા દ’સિલ્વાનો સંપર્ક સાધ્યો હતો તેઓએ તમામ સહાયની ખાતરી આપી હતી.તેઓ જાતે જ તે અસરગ્રસ્ત રાજ્યની મુલાકાતે ગયા હતા, એ યુદ્ધ ધોરણે બચાવ કાર્યવાહી શરૂ કરાવી દીધી હતી.રાયો ગ્રાન્ડેમાં તો પ્રચંડ વર્ષા થઈ છે. પરંતુ લગભગ સમગ્ર દેશમાં ભારે વર્ષા થઇ રહી છે. પરિણામે દેશની અનેક નદીઓમાં પૂર આવ્યાં છે, હજી સુધીમાં ૩૪૦૦ લોકોને સલામત સ્થળે ખશેડવામાં આવ્યાં છે. સૌથી વધુ પુર આ દક્ષિણનાં રાજ્યમાં આવ્યાં છે.

મધ્ય અને દક્ષિણ બ્રાઝિલ પર્વતીય વિસ્તારો છે. તે પર્વતો વનાચ્છાદિત છે. તે પણ ભારે વર્ષા અનુભવી રહ્યાં છે. ટૂંકમાં ગાઢ જંગલોમાં વસતા ૪૦ ફીટના પ્રચંડ એનેકોન્ડાનો આ દેશ અત્યારે તો, પ્રચંડ વર્ષા અને પૂરોના ભરડામાં છે.