ડાકોર,ઠાસરામમાં ખાડાઓના કારણે થોડા દિવસ પહેલા એક વ્યકિતનુ મોત નીપજયું હતુ. ત્યારબાદ તંત્રની ઉંઘ ઉડતાની સાથે જ ડાકોર-ઠાસરા રોડ પર 200થી વધુ ખાડાઓને પુરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરીને કારણે અકસ્માતને આમંત્રણ આપવામાં આવ્યુ હોય તેમ લાગ્યુ હતુ.
ડાકોર-ઠાસરા માર્ગે બાબતોના અહેવાલો પ્રસિદ્ધ થતાં રસ્તાની સમસ્યાનો પ્રશ્ર્ન ઉજાગર કરવામાં આવતા જે બાદ નિંદ્રાધિન તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં માર્ગે આવેલ 200થી વધુ ખાડાઓમાં ફકત મેટલ પાથરીને માલ ભરીને કામગીરી આટોપી લેવામાં આવી હતી. ત્યારે આ પ્રકારની બેદરકારીને કારણે માર્ગ પસાર થતાં વાહનચાલકોમાં અકસ્માતની ભિતી સર્જાઈ હતી. ઉપરાંત ખાડાઓમાં લેવલ ન હોવાના કારણે બાઈક અને ગાડીઓના ટાયર ડગમગી ઉઠે છે. જેના કારણે ચાલકો ઝડપી પસાર થતા અટકયા હતા. ત્યારે ફકત દેખાડા પુરતી કામગીરી કરીને લોકોના જીવ જોખમમાં નાંખવા બદલ તંત્ર સામે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. સમગ્ર ધટનાને લઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શકયો નથી.