ડાકોર, ડાકોર નજીક રાણીયા કંથરાઈ રોડ પર આવેલ થાંભલા વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે બે બાઈક સામસામે અથડાવાની ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નીપજતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર ઠાસરાના જેકરીયા ગામના ગિરવતભાઈ સાલમભાઈ બોડાણા અને કુટુંબી ગણપતભાઈ પ્રભાતભાઈ બોડાણા ગઈકાલે બાઈક નં. જીજે-૦૭, સીસી-૩૫૯૨ પર કાલોલ તાલુકાના બોડીદ્રા ગામ ખાતે એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી બંને બાઈક પર બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. આ સમયે બાઈક સાંજના સમયે ડાકોર નજીક કંથરાઈ-રાણીયા રોડ પર આવેલ થાંભલા વિસ્તારમાંથી પસાર થતું હતું ત્યારે રોડ પર સામેથી રોંગ સાઈડે પૂરપાટ આવતા બાઈક નં. જીજે-૦૭, સીઆર-૨૮૯૨એ તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી જેને લઈને બંને બાઈક પર સવાર ચારેય રોડ પર પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા.
જેમાં ગણપતભાઈ બોડાણા (ઉં.વ.૪૦)નું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ અકસ્માત સર્જનાર બાઈકના ચાલક અરવિંદભાઈ ભગવાનભાઈ પરમાર (ઉં.વ.૩૦) તેમજ પાછળ બેઠેલ તેમના દીકરા જયવીર (ઉં.વ.૭, બંને રહે. નવાકૂવા, તા. ઠાસરા)ને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે દાખલ કરતા તેમના મોત નિપજ્યા હતા. ગિરવતભાઈ બોડાણાને શરીરે વધતી ઓછી ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડાકોર પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.