- જગ્યા પાછી મેળવવા દુકાનદારોની તંત્રને આજીજી.
નડિયાદ,
ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિરની આસપાસ વર્ષો અગાઉ ડીમોલેશનમા તૂટેલી દુકાનોનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જગ્યા પાછી મેળવવા દુકાનદારોઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ આમ છતાં પણ આજ દિન સુધી જગ્યા પાછી મળી નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરતાં દુકાનદારોએ તંત્ર અને સરકાર સામે નારજગી દર્શાવી છે.
જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં લગભગ વર્ષ ૨૦૦૩મા મંદિરની આસપાસ આવેલી આશરે ૫૫થી વધુ દુકાનોનો મામલો ઘેરો બન્યો હતો અને પછીના સમયગાળામાં આ દુકાનોને તંત્ર દ્વારા તોડી પાડી હતી. જોકે આ બાદ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ગોમતી ઘાટનો વિકાસ થયેથી દુકાનો સ્થાઈ થવા હાઈકોર્ટે જણાવ્યું હતું. પરંતુ આમ છતાં પણ આજ દિન સુધી દુકાનદારોને ધંધા રોજગાર માટે કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી. જેના કારણે દુકાનદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રણછોડરાય વેપારી મહામંડળના પૂર્વ પ્રમુખ બીપીન શાહે જણાવ્યું હતું કે, મંદિરની આસપાસ લગભગ ૫૫ જેટલી દુકાનો ડિમોલેશનમાં ગઈ હતી. તે મામલે અમે હાઇકોર્ટમાં ગયા હતા. જ્યાં જે તે વખતે હાલમાં સરકાર જોડે જગ્યા નથી. પરંતુ ગોમતી ઘાટનો વિકાસ થયેથી જગ્યા ફાળવવાની રહેશે. અમારી દુકાન ગયે આજે લગભગ ૧૯ વર્ષ વીતી ગયા છે અને આ વાતને પણ ૨૦ વર્ષ જેવો સમય ગાળો પસાર થઈ ગયો છે. આમ છતાં પણ અમને અમારી જગ્યા આપી નથી. અમારી ૧૦ બાય ૧૦ ની જગ્યા પાછી આપવા અમે સરકારને અને તંત્રને જણાવીએ છીએ.
દુકાન ગુમાવનાર વિશ્ર્વનાથ સેવક જણાવે છે કે નવા સત્રમાં અમારા માટે સરકાર કઈ વિચારે તો સારું રહેશે. કારણ કે આજે અમે બેકાર બન્યા છે. મારે અત્યારે ૭૮ વર્ષ થયા છે ત્યારે મારે ગમચો લઈને ફરવાની નોબત આવી છે. ઘરની એવી પરિસ્થિતિ ઉભી છે કે, દીકરાના દીકરા માટે કોઈ કન્યા પણ આપતું નથી.
દુકાન ગુમાવનાર જોષી ગોપાલભાઈ જણાવે છે કે, આ અમારી દુકાનો લગભગ ૧૨૫ વર્ષ જૂની એટલે કે અંગ્રેજો શાસન વખતની હતી. દુકાનો તોડી પડાયા બાદ લગભગ ૨ હજાર કુટુંબ રસ્તા ઉપર આવી ગયા હતા. આજે પણ અમે રોજી રોટી મેળવવા માટે ફાંફાં મારવા પડી રહ્યા છે. ખાસ કરીને દીકરાના લગ્ન માટે કોઈ કન્યા પણ આપતું નથી. અમને અમારી દુકાનો સ્થાપિત કરવા તેવી અમારી સરકારને અરજ છે.
વધુ એક દુકાનદાર મનીષા જોશી નામની મહિલા જણાવે છે કે, જે તે સમયે જ્યારે દુકાન તોડવા આવ્યા હતા ત્યારે અમને એવી બાંહેધરી આપી હતી કે, પહેલા તમને દુકાન અપાવીશું અને પછી દુકાનો તોડીશું પરંતુ દુકાનો તોડ્યા બાદ અમારી સમક્ષ જોયું પણ નથી અમારા ઘરની હાલ પરિસ્થિતિ કફોડી બની છે. મહત્વનું છે કે, પાલિકા તંત્ર એ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પાર્કિંગ તેમજ દુકાનો પણ વર્ષોથી ધૂળ ખાતા પડ્યા છે. ત્યારે આવા અંધેર વહીવટમાં પારદર્શક્તાથી કામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.