
દાહોદ તાલુકાના ભીટોડી ગામેથી પસાર થતાં ઈન્દોર ગોધરા નેશનલ હાઈવે ઉપરથી દાહોદ એલસીબી પોલીસે એક ટ્રકમાંથી મોટા મશીનરીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂા.17,68,080ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.43,07,080ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે ગતરોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના ભીટોડી ગામેથી પસાર થતાં ઈન્દોર ગોધરા નેશનલ હાઈવે ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે પોલીસે તેને રોકી ગાડીના ચાલકની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
જેથી પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી મશીનરીની આડમાં સંતાડી રાખી લઈ જવાતો વિદેશી દારૂની પેટીઓ નંગ.182 જેમાં બોટલો નંગ.6216 કિંમત રૂા.17,68,080ના પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.43,07,080ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક મોહમદ મુફીદ અસરફ (મુસ્લીમ) (રહે. રાજસ્થાન)ની પોલીસે અટકાયત કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.