દાહોદ જિલ્લાના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યાં છે જેમાં 10 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં તમામ બાળકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં ત્યારે જાણવા મળ્યાં અનુસાર, એક બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
હાલ ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે ઝાડા, ઉલ્ટી, તાવ વિગેરે જેવી બિમારીઓ માઝા મુકી છે. દાહોદ જિલ્લાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ દાહોદના નાની લછેલી ગામે કોલેરાના શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યાં છે જેમાં ગઈ કાલે 10 જેટલા બાળકોને તાવ, ઝાડા, ઉલ્ટી થતાં બાળકોને તાત્કાલિક ધોરણે નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
ત્યારે એક બાળકીની હાલત ગંભીર બનવા પરિવારજનો દ્વારા બાળકીને દવાખાને લઈ જવામાં આવે તે પહેલા બાળકીનું રસ્તામાં મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગને થતાં દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નાની લછેલીની સાથે સાથે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની હિસ્ટ્રી સહિતનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જરૂરી દવા, સારવાર આપવાની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. બાળકોમાં શંકાસ્પદ કોલેરાના કેસોને પગલે ગ્રામજનોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો.