દે.બારીઆ, દે.બારીઆ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ગામડાના મોટાભાગના બાળકો હાલ શિક્ષણ લઈ રહ્યા છે. સરકાર તરફથી બાળકોને ભણાવવા માટે પુરતી સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવામાં આવેલ છે પરંતુ કેટલીક શાળાઓમાં હજુપણ શાળામાં બાળકોને ભણવા માટે ઓરડાઓની મોટી ખોટ વર્તાઈ રહી છે.
દે.બારીઆ તાલુકાની મોટીઝરી શાળા જર્જરિત થઈ જવા પામી છે. શાળામાં નવા ઓરડા સરકારની મંજુરી લઈ નવીન બનાવવા માટે કોરોના કાળ પહેલા કેટલાક ઓરડા તોડવામાં આવ્યા હતા. આ વાતને આજે લગભગ ત્રણેક વર્ષ વિતી ગયા છતાંય હજુપણ નવીન ઓરડા નહિ બનતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે. ધો-1 થી 8ની આ શાળામાં બાળકોને બેસવા માટે કેટલી અગવડતાઓ પડી રહી છે. નાની અસાયડી ગામના પટેલ ફળિયા વર્ગ શાળામાં પણ આ પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે. ધો-1થી 8ની આ શાળામાં 113 બાળકો અભ્યાસ કરે છે. છ શિક્ષકોની સંખ્યા પણ પુરતી હોવાની માહિતી મળી છે. હવે ખાસ જોવાનુ એ છે કે,આ શાળામાં માત્ર એક જ ઓરડામાં ધો-1 થી 8ના બાળકોને કઈ રીતે ભણાવવા તે પણ અઘરૂ કામ છે. આ ઓરડામાં ઓફિસના જરૂરી કાગળોના કબાટ સહિત અન્ય ફર્નીચર પણ ગોઠવેલ છે. આ અંગે વાલીઓએ ઉગ્ર રજુઆત કરતા જે તે સમયના દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખે રૂબરૂમાં જણાવેલ કે,હાલમાં તમો કોઈપણ મકાન ભાડેથી બાળકોને બેસાડવા માટે લઈ લો સરકારમાંથી ભાડું ચુકવી દેવામાં આવશે.પરંતુ ભાડેથી લીધેલ મકાનનુ હજુ કોઈ ભાડું નહિ મળતા મકાન માલિક બાળકોને બેસાડવા પણ દેતા નથી.