દાહોદ જીલ્લામાં પોલીસે બે અલગ અલગ સ્થળોએ પ્રોહી રેડ પાડી કુલ રૂા.1,67,280ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી કબજે કર્યાનું જ્યારે બંન્ને બનાવોમાં બે ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયાંનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ચેનપુર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.01 ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ચેનપુર ગામે કોલીયારી ફળિયામાં રહેતાં માધુભાઈ ભુરાભાઈ બારીઆના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ માધુભાઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.498 જેની કુલ કિંમત રૂા.67,230નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ દાહોદ શહેરના પડાવ ચોકી ખાતે બનવા પામ્યો હતો. જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.01 ઓગષ્ટના રોજ દાહોદ શહેરના પડાવ ચોકી ખાતે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી. ત્યારે ગાડીના ચાલકે દુરથી પોલીસને જોઈ લેતાં પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી ગયો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.741 કિંમત રૂા.1,00,050ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.4,00,050નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.