કોરોના (Coronavirus) ની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આજે દાહોદ (Dahod) પહોંચ્યા હતા. તેમણે અહીં જિલ્લા વહીવટી તંત્ર સાથે વિસ્તૃત ચર્ચા કરી આગામી સપ્તાહમાં ૩૦૦ પથારીની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, દાહોદ (Dahod) માં ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારી અને જિલ્લામાં ૧૦૦ વધારાની પથારી તમામ સુવિધા સાથે દર્દીઓ માટે વધારવામાં આવશે. એટલે, દાહોદ (Dahod) માં કોરોનાના દર્દીઓની સારવાર માટે વધારાની ૩૦૦ પથારી આગામી એક સપ્તાહમાં વધી જશે.
મુખ્યમંત્રી (CM) એ એમ પણ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૫, ૨૬ અને ૨૭ના રોજ મોટા પ્રમાણમાં લગ્નગાળો છે. તેમાં કોવિડ (Covid 19) ની એસઓપીનું પાલન થાય તે જોવાની જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનને જવાબદારી સોંપવામાં આવી છે. જો લગ્નમાં નિયત કરતા વધુ ભીડ જોવા મળશે, તો જવાબદાર પોલીસ અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે.
વિજય રૂપાણી (Vijay Rupani) એ કહ્યું કે, દાહોદ જિલ્લામાં જે વિસ્તારોમાંથી વધુ કોરોનાના કેસો મળી આવે છે, ત્યાં ટેસ્ટ, ટ્રેસિંગ અને આઇસોલેટ કાર્યમંત્રને આધારે લોકસહકારથી ઘનિષ્ઠ આરોગ્ય ચકાસણીની ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. દર્દીઓને આરોગ્યલક્ષી દવાઓની કિટ્સ પણ આપવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટેની સ્થાનિક પ્રશાસનને સૂચના આપવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ એમ પણ જણાવ્યું કે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી, ગ્રામ્યકક્ષાએ સેવા આપતા તબીબો પણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરે તેવી કાર્યવાહી કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.