દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં નકલી ઈન્કમટેક્સ અધિકારીઓએ કરેલી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાણાં ધીરધારનો વ્યવસાય કરતા વેપારી અલ્પેશ ઉકાર પ્રજાપતિની દુકાને 6 શખ્સોએ IT અધિકારી હોવાનો દાવો કરી રેડ પાડી હતી. આરોપીઓએ નાણાં ધીરાણના ચોપડા અને દાગીના તપાસ્યા બાદ કેસ કરવાની ધમકી આપી 25 લાખ રૂપિયાની માગણી કરી હતી.
તપાસ દરમિયાન તિજોરીમાંથી મળેલા 2 લાખ રૂપિયા લઈ લીધા બાદ બાકીના 23 લાખ રૂપિયા માટે દબાણ કરતા વેપારીને શંકા ગઈ હતી. વેપારીએ પોલીસને જાણ કરતા નકલી અધિકારીઓ ભાગવા લાગ્યા હતા. વેપારી અને પોલીસની ત્વરિત કાર્યવાહીથી બે આરોપીઓ ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય (રહે. હાથીજણ, અમદાવાદ) અને અબ્દુલ સુલેમાન (રહે. દાહોદ)ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓ ફરાર છે. સુખસર પોલીસે સરકારી અધિકારી બની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવા બદલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.