દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉતરાયણ પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં પતંગની દોરીથી બે વાહન ચાલકોના ગળા કપાવા સાથે પતંગ લુટવાની લ્હાયમાં એક બાળકે બંને પગ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ ત્રણ ઘટનાથી દાહોદ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
દાહોદ શેહરમાં રવિવારની બપોરે અમદાવાદ-ઇન્દૌર હાઇવે ઉપર બાલાજી હોટલની સામે કપાયેલો પતંગ લુટવા માટે પાંચેક બાળકો દોડી રહ્યા હતાં. ત્યારે એક બાળકે આડેધડ હાઇવે પસાર કરતાં પુરપાટ આવતાં વાહનની ટક્કર વાગતાં બાળક ફંગોળાઇને રોડની એક તરફ પડ્યુ હતું. ત્યારે પાછળથી આવતું બીજુ વાહન આ બાળકના પગ ઉપર ચઢી ગયુ હતું. આ દ્રષ્ય જોઇને ડિવાઇડર ઉપર ઉભેલા તેની સાથેના બાળકો પણ આડેધડ ભાગ્યા હતાં. સદભાગ્યે ગોધરા તરફથી કોઇ વાહન ના આવતાં તેમનો અકસ્માત ટળી ગયો હતો. બાળક નગરાળાનો આનંદ ગણાવા હોવાનું જાણવા મળ્યુ છે. તેને ઝાયડસમાં સારવાર બાદ વડોદરા ખસેડાયો હતો. જ્યારે મુવાલિયાના હીરકાભાઇ ડામોર બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે રોઝમ ગામમાં પતંગની દોરીથી તેમનુ ગળુ કપાઇ ગયું હતું. ઝાયડસમાં ખસેડાયેલા હીરકાભાઇને સારવાર મળતાં સદભાગ્યે તેમનો જીવ બચી ગયો હતો. જ્યારે બીજા એક બનાવમાં દાહોદના પડાવથી ગરબાડા ચોકડી બ્રીજ ઉપર જતાં સુરેશ ગોહિલના ગળામાં પણ પતંગની દોરી ભરાતા તેને ગંભીર ઇજા થઇ હતી. દાહોદમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચ્યો છે.
ઉત્તરાયણના તહેવારને આપણે અનેરા ઉત્સાહ સાથે ઉજવીએ બસ થોડી સાવધાની રાખવી જરુરુ છે.પતંગ ઉડાડતી વખતે પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી જરૂરી છે. પશુઓ તથા વાહનોથી સાવચેત રહેવું. પતંગ ચગાવતી સમયે માથા ઉપરથી પસાર થતા વીજળીનાં તારથી દુર રહેવું. પતંગ ચગાવતા બાળકોની તેમના વાલીઓ દેખરેખ રાખવી જોઇએ. રોડ ઉપર ટુ વહીલર પર જતાં પતંગની દોરી વચ્ચે આવતા ગળા ઉપર, મોઢા ઉપર, આંખ ઉપર, કાન ઉપર, તથા બીજા અંગો ઉપર મોટી ઈજાઓ થવાની સંભાવના રહેતી હોય છે. આ ઇજાઓથી બચવા માટે હેલ્મેટ પહેરવી આવશ્યક હોય છે. તથા ઊંચા કોલરના કપડાં કે ગળામાં સ્કાર્ફ કે મફલર પહેરવાથી પણ આ પ્રકારના અકસ્માત ટાળી શકાય છે. પતંગોત્સવમાં સમજદારી, સદભાવ અને સાવચેતી એટલે અકસ્માત નિવારી શકાશે.