દાહોદમાં ભાડાના મકાનમાં 5 લાખની બનાવટી નોટો પ્રિન્ટ કરાઈ હોવાનો ઘસ્ફોટ : રાજસ્થાન નકલી નોટ પ્રકરણ:ઝાલોદથી નકલી નોટ બનાવવાની રીત શીખવતા ઇસમની પોલીસે કરી ધરપકડ

રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે આંતરરાજ્ય બનાવટી નોટોના રેકેટનો પર્દાફાશ કરી આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી તપાસ હાથ ધરતા વધુ ચોકાવનારા ખુલાસા થયા હતા. જે બાદ પોલીસે સંજેલીના એક તેમજ ઝાલોદના એક વ્યક્તિની ગઈકાલે ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.પોલીસે અત્યાર સુધી નકલી નોટોના આંતરરાજ્ય પ્રકરણમાં 100 200 અને 500ના દરની 3.60 લાખની બનાવટી નોટો આરોપીઓ પાસેથી રિકવર કરી છે.તેમજ  પ્રિન્ટર તેમજ લેપટોપ પણ જપ્ત કર્યા છે.આ સમગ્ર રેકેટમાં સામેલ લોકોને ઝડપી પાડવા માટે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

સુખરામ તેના સાળા પાસેથી નકલી નોટો બનાવવાનું શીખ્યો . 

રાજસ્થાન પોલીસે મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલિયાને બનાવટી નોટો કેવી રીતે બનાવી તે શીખવનાર તેના સાળા સુખલાલ જવલાભાઈ સંગાડા રહેવાસી થેરકાની ઝાલોદ ખાતેથી ધરપકડ કરી છે. આ અગાઉ પોલીસે ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલીયાના ઘરેથી 2.19 લાખ રૂપિયા ની બનાવટી નોટો કબજે દીધી હતી.

દાહોદના ભાડાના મકાનમાં 5 લાખ રૂપિયાની બનાવટી નોટો પ્રિન્ટ કરાઈ.

રાજસ્થાનના આનંદપુરી પોલીસે મુખ્ય સૂત્રધાર સુખલાલ તંબોલીયા તેમજ કમલેશ તંબોલીયા ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં કમલેશના જણાવ્યા અનુસાર તેને દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં ભાડે મકાન લઈ રાજસ્થાનના બાસવાડા થી લાવેલા પ્રિન્ટર તેમજ લેપટોપના મદદથી પાંચ લાખ રૂપિયાની નોટો પ્રિન્ટ કરી હતી.જે પૈકી એક પ્રિન્ટર કમલેશે પરત સુખલાલ તંબોલીયાને પરત આપ્યું હતું. પોલીસે પડાવ સ્થિત ભાડાના મકાનમાંથી લેપટોપ પ્રિન્ટર અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે.

રેકેટ ચલાવનાર આંતરરાજ્ય ગેંગે સરહદી વિસ્તારોમાં લાખો રૂપિયાની બનાવટી નોટો માર્કેટમાં ઉતારી.

પોલીસની પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપીઓએ રાજસ્થાન , મધ્યપ્રદેશ તથા દાહોદના આસપાસના વિસ્તારમાં એકબીજાના ઓળખીતાઓનો સંપર્ક કરી લાખો રૂપિયાની બનાવટી નોટો માર્કેટમાં ઉતારી છે. પોલીસે હજી સુધી માત્ર 3.68 લાખની નોટો કબજે લીધી છે. જ્યારે દાહોદ ખાતે પ્રિન્ટ કરાવીને પાંચ લાખ રૂપિયાની નોટો માર્કેટમાં ઉતારી છે કે કેમ અને ઉતારી હોય તો કોના મારફતે અને કઈ જગ્યાએ ચલાવવામાં આવી છે. તે હવે દાહોદ અને રાજસ્થાન પોલીસ માટે તપાસતો વિષય બની જવા પામેલ છે. હજી આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે. તેમજ કેટલા રૂપિયાની નોટો માર્કેટમાં ચલાવી છે. તે હવે તપાસનો વિષય બન્યો છે.