દાહોદમાં ૩ મિત્રોએ જ કરી મિત્રની હત્યા : માત્ર ૨૦,૦૦૦ રૂ ની લેતી દેતીમાં કરાઈ હત્યા

દાહોદ તાલુકાના નાની સારસી ગામે ઈન્દૌર હાઈવે રોડ ખાતે ગત તા.૨૧મી ડિસેમ્બરના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં નાના ડબગરવાડ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકની બળેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ યુવકની હત્યા કરાઈ હોવાનું તો તેજ સમયે પોલીસને શંકા ગઈ હતી અને તે દિશામાં તપાસનો ધમધમાટ આરંભ કરી હત્યારાઓને પકડી પાડવા સારૂ ચક્રોગતિમાન કરી દીધા હતા ત્યારે પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ ટેકનીકલ માધ્યમ સહિત સીસીટીવી માધ્યમોથી ગુન્હાનો ભેદ ઉકેલવાના આરંભ સાથેજ આ યુવકની હત્યા તેના જ સાથી ૩ બાળ કિશોરો કરી હોવાનું બહાર આવતાં પરિવાર સહિત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ યુવકની હત્યા તેના બાળ કિશોર મિત્રો દ્વારા નાણાંની લેતી – દેતી મામલે કરાઈ હોવાનું ઝડપી પાડવામાં આવેલ ત્રણ બાળ કિશોર આરોપીઓએ કરી હતી. વધુમાં આ જાણવા મળ્યા અનુસાર, આ મૃતક યુવકની કરપીણ હત્યા કર્યા બાદ આરોપી ત્રણ બાળ કિશોરોએ તેની ઉપર પેટ્રોલ ઝાંટી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યાે હતો.

દાહોદ શહેર જિલ્લામાં આ ચકચારી બનાવથી હાલ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. નાના ડબગવાડ વિસ્તારમાં રહેતો ૧૯ વર્ષીય જગદીશ ઉર્ફે સોનુ રાજેશભાઈ દેવડાએ તેના સાથી બાળ કિશોર મિત્રને જે દાહોદમાં જ રહે છે તેને કેટલાક સમય પહેલા રૂપીયા ૨૦ હજાર વ્યાજે આપ્યા હતા. લાંબો સમય વિત્યા છતાં પણ આ ૨૦ અને તેના વ્યાજના નાણાં ન ચુકવતાં અવાર નવાર આ જગદીશ અને તેના મિત્ર વચ્ચે ઝઘડો તકરાર પણ થતો હતો. વ્યાજના રૂપીયા વધીને એક લાખ થઈ ગયા હતા. આ એક લાખ રૂપીયા આપવા ના પડે તે માટે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે જગદીશને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન તૈયાર કર્યાે હતો. આ પ્લાનમાં બાળ કિશોરે તેના બે મિત્રોને પણ લાલચ આપી સામેલ કરી દીધા હતા. આ બાદ તા.૨૧મી ડિસેમ્બરના રોજ આ ત્રણેય જણાએ આગોતરૂ કાવતરૂં રચી મુખ્ય સુત્રધાર બાળક કિશોરે તેના મિત્રોને મોટરસાઈકલ પર બેસાડી નાની સારસી ગામે આવ્યો હતો અને એલ.પી.જી.ગેસ પંપની સામે ઈન્દૌર હાઈવે રોડના ડિવાઈડરની ઝાંડીઓમાં તલવાર અગાઉ જ સંતાડી દીધી હતી. આ બાદ જગદીશે  મુખ્ય સુત્રધાર બાળ કિશોરને ફોન કરી વ્યાજે આપેલા રૂપીયાની ઉઘરાણી કરી હતી. આ બાદ મખ્ય સુત્રધાર બાળ કિશોરે મૃતક જગદીશને ફોન કરી કહેલ કે, વ્યાજના રૂપીયા લઈને દાહોદ પડાવ પોલીસ ચોકીની સામે પેટ્રોલ પંપ ઉપર આવેલ છુ અને મે એક જગ્યાએ સોનુ દાટેલ છે તે ખોદીશું તો તે તને આપી દઈશું તું તારા ઘરેથી હથોડી લેતો આવજે તેમ જગદીશને જણાવ્યું હતું. આ બાદ જગદીશ ઘરેથી હથોડી લઈ મુખ્યસુત્રધાર બાળ કિશોર પાસે ગયો હતો. 

આ બાદ જગદીશને ૨ હજાર રૂપીયા મુખ્યસુત્રધાર દ્વારા આપ્યા હતા અને નજીકની હોટલ પર ચાહ્‌ પીવા માટે લઈ ગયો હતો. આ દરમ્યાન બીજા બે બાળ કિશોરો આ લોકોની પાછળ પાછળ આવ્યા હતા. ચાહ્‌ પીધા બાદ મુખ્ય સુત્રધાર દ્વારા જગદીશને દાટેલ સોનાની જગ્યાએ લઈ જઈ લાલચ આપી હતી અને નાની સારસી ગામે ઈન્દૌર હાઈવે પર ત્રણે જગદીશને લઈ ગયા હતા. મૃતક જગદીશ પોતાની સાથે લાવેલ હથોડી મુખ્ય સુત્રધારે લઈ લીધી હતી અને નાટક કરી જમીન ખોદતો હતો. આ દરમ્યાન જ મુખ્યસુત્રધારે મૃતક જગદીશના માથામાં હથોડી મારી દેતા લોહી લુહાણ થઈ ગયો હતો અને તેવી સ્થિતિમાં મૃતક જગદીશ બુમાબુમ કરતાં મુખ્ય સુત્રધારની સાથે આવેલ બીજા બે બાળ કિશોરોએ જગદીશનું મોં અને પગ દબાવી દીધા હતા. આ બાદ મુખ્ય સુત્રધાર બાળ કિશોરે નજીકમાં પહેલાથી જ સંતાડી રાખેલ તલવાર લઈ આવી જગદીશના પીછના ભાગે બે – ત્રણ ઘા મારી દીધા હતા અને ગળાના ભાગે પણ તલવાર ફેંરવી દેતાં જગદીશનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય બાળ કિશોરો ત્યાંથી રવાના થયા બાદ નજીકમાં આવેલ પેટ્રોલ પંપ પરથી ૫૦ રૂપીયાની પેટ્રોલ ખરીદ્યું હતું ફરી જ્યાં જગદીશની લાશ પડી હતી ત્યા આવ્યા હતા અને પુરાવાનો નાશ કરવા માટે મૃતક જગદીશના શરીર પર પેટ્રોલ ઝાંટી દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. મુખ્ય સુત્રધાર દ્વારા લોહીથી લથબથ કપડા ઘરે બદલવા ગયો હતો અને નવા કપડા પહેરી લોહીવાળા કપડાં ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ એક શો – રૂમ નજીક નાંખી દીધા હતા ત્યાર બાદ આ મૃતક જગદીશની ટુ વ્હીલર વાહન હાઈવે રોડ ઉપર દરગાહ પાસે મુકી દઈ તેની ચાવી નાંખી દીધા બાદ ત્યાંથી મોટરસાઈકલ ઉપર બેસી રળીયાતી થઈ ઘરે આવી ગયા હતા.

ઉપરોક્ત હત્યાની હકીકત ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોએ પોલીસ સમક્ષ કરતાં એકક્ષણે પોલીસના પણ હોંશ ઉડીં ગયા હતા. મૃતક જગદીશના પરિવાર સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ બાળ કિશોરોના પરિવારોમાં પણ આક્રંદનો માહોલ સર્જાવા પામ્યો છે.