દાહોદના નગરાળા પાસે આવેલ ત્રણ સર્વે નંબરોની પ્રીમિયમ ને પાત્ર ખેતીની જમીનોમાં સરકારના પ્રીમિયમ ના નાણાં ભરપાઈ કર્યા વગર 2018ના વર્ષમાં દાહોદ જીલ્લા વિકાસ અધિકારીના નકલી બિનખેતીના હુકમના આધારે “સાંઈ સિટી”ના નામે પ્લોટીંગ કરીને વેચાણ દસ્તાવેજો કર્યા બાદ 6 વર્ષો બાદ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં સરકાર તરફે દાખલ કરાયેલ ફરિયાદમાં જમીન માલિક ઝકરીયા ટેલર નકલી બિન ખેતી નો હુકમ તૈયાર કરનાર શૈષવ પરીખ ની ધરપકડ કરવામાં આવી હતી. એમાં આ ગુનાની તપાસ કરી રહેલા દાહોદના ડી.વાય.એસ.પી જે.પી.ભંડારી દ્વારા આ બંને આરોપીઓના વધુ બે દિવસોના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ અદાલત સમક્ષ હાજર કરવામાં આવતા આ બંને આરોપીઓ ઝકરીયા ટેલર અને શહેરના નામી બિલ્ડર શૈષવ પરીખને અદાલતના આદેશ બાદ દાહોદ સબ જેલમાં રવાના કરાયા હતા. જોકે, દાહોદ પોલીસ હવે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક નકલી બિનખેતીના હુકમ સંદર્ભમાં નોંધાયેલા ગુનામાં શૈષવ પરીખની ટ્રાન્સફર વોરંટના આધારે ગમે ત્યારે ધરપકડ કરશે એવી શક્યતાઓ છે.
દાહોદ કસ્બાની શહેર ફરતે આવેલ પ્રીમિયમને પાત્ર હોય એવી કેટલીક જમીનોમાં સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમને ભરપાઈ કર્યા વગરના લાખ્ખો અને કરોડો રૂપિયાના કરાયેલા આંતરિક સોદાઓની લેવડ દેવળોમાં નકલી બિનખેતીના હુકમ બનાવવાના ગોરખ ધંધાઓ સામે દાહોદ પોલીસ મથકમાં બે ગુનાઓ દાખલ કરાયા છે. એમાં નગરાળા બહુચર્ચિત જમીન પ્રકરણમાં જમીન માલિક ઝકરીયા ટેલર અને નકલી બિનખેતીના હુકમ તૈયાર કરનાર ભેજાબાજ વગદાર શૈષવ પરીખ પાંચ દિવસોના પોલીસ રિમાન્ડનો સામનો કરીને દાહોદ સબ જેલના હવાલે કરાયા છે. જ્યારે દાહોદ (કસ્બા)ના આંબા વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 376/1/1પૈકી 4ની 3604 ચોરસ મીટરની પ્રીમિયમને પાત્ર ખેતીની જમીનને દાહોદ પ્રાંત અધિકારીના સહી સિક્કા સાથે નકલી બિનખેતીના 2016ના હુકમના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાના બહાર આવેલા પ્રકરણમાં જમીન માલિક હારૂન રહીમભાઈ પટેલ અત્યારે પોલીસ રિમાન્ડ ની પૂછપરછો નો સામનો કરી રહ્યો છે. આજ બહુ ચર્ચિત જમીન પ્રકરણમાં નકલી બિનખેતીના હુકમ ના કારસ્તાનમાં શૈષવ પરીખ ની ટ્રાન્સફર વોરંટ ના આધારે ધરપકડ કરવામાં આવશે.