દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં 40 વર્ષીય વ્યકિતએ હોસ્પિટલના ધાબા પરથી નીચે પડતાં મોત

દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં એક 40 વર્ષિય વ્યક્તિ દર્દીએ કોઈ અગમ્યકારણોસર હોસ્પિટલના ધાબા પર ચઢી જઈ ધાબા પરથી પડી જતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ઘટનાને પગલે હોસ્પિટલ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.

ગત તા.15મી જુલાઈના રોજ બપોરના ત્રણેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 40 વર્ષિય દર્દી વેસ્તાભાઈ હીમસીંગભાઈ ડામોર (રહે. ઘુટીયા, નિશાળ ફળિયું, તા. લીમખેડા, જી.દાહોદ) કોઈ અગમ્યકારણોસર હોસ્પિટલની બારીમાંથી હોસ્પિટલના પાછળના દરવાજા ઉપર બનાવેલ ધાબા ઉપર ચઢી ગયાં હતાં અને ધાબા પરથી નીચે પટકાતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ હોસ્પિટલના સત્તાધિશો, સ્ટાફ તેમજ હોસ્પિટલમાં આવેલ લોકોને થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ સંબંધે રાજુભાઈ હીમસીંગભાઈ ડામોરે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.