દાહોદ,બેંક એજન્ટ તરીકે કામ કરી ચુકેલા તથા ડોકયુમેન્ટ વેરીફિકેશનનો અનુભવ ધરાવતા વડોદરાના ઈસમે ઝાલોદના એક ઈસમ પાસેથી ચાર લાખ કરતાની વધુ રકમની ઠગાઈ કરી સાયબર ક્રાઈમ આચરતા ઈસમને ગણતરીના કલાકોમાં દાહોદ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડતા દાહોદ સહિત આજુબાજુના વિસ્તારની યેનકેન પ્રકારે ડેટા મેળવી ફોન કોલ કરી ક્રાઈમ કરનારા ઈસમોમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાનો અર્પિતકુમાર પ્રવિણચંદ્ર પટેલ નામક ભેજાબાજ પહેલા બેંકમાં એજન્ટ તરીકે કામ કરતો હોય બેંકની ડોકયુમેન્ટ વેરીફિકેશન પદ્ધતિનો જાણકાર હોવાથી તેણે તેના અન્ય બે સાથી ભેજાબાજોની મદદથી કોટક મહીન્દ્રા, તેમજ આઈ.સી.આઈ.સી.આઈ.બેંકમાં એજન્ટ તરીકે કામ કરતા કર્મચારી પાસે લોન લેવા ઈચ્છુક અથવા લોન લેવા માટે ઈન્કવાયરી કરનાર 100થી વધુ ઈસમોના ડેટા મેળવી બેંક મેનેજરનો સ્વાંગ રચી ફોન દ્વારા જે તે ઈસમોનો સંપર્ક કરી માત્ર 8 મહિનાના ટુંકા ગાળામાં એક વ્યકિત પાસેથી તેના બે સાથી મિત્રોની મદદથી જુદા જુદા ટ્રાન્જેકશન મારફતે 4.67 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. જે બાદ છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતે દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ એસ.પી.ડો.રાજદિપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ પી.આઈ.દિગ્વિજય પઢીયાર તેમજ તેમની ટીમે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી જેલભેગો કર્યો છે.