દાહોદ વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામોને લઇ કશમકશ : ટિકિટોની જાહેરાતની સાથે અસંતુષ્ટો દ્વારા વિરોધ થવાના અણસાર

  • ભાજપ કોંગ્રેસની ઉમેદવારોની જાહેરાત સાથે ઉમેદવારો અપક્ષમાં દાવેદારી કરે તેવી સંભાવનાઓ…
  • મધ્ય ગુજરાતમાંથી જુના જોગીના પક્ષ પલટો કરવાની અફવાઓની વચ્ચે અગામી બે ત્રણ દિવસમાં નવા જૂની થશે..??
    દાહોદ,
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ ગણતરીના દિવસો રહ્યા છે. આવતીકાલથી જાહેરનામું બહાર પડશે.અને ત્યારબાદ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ કરવામાં આવશે. ત્યારે બીજી તરફ દાહોદ વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામોને ભારે ઘમાસાણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. દાહોદ વિધાનસભા બેઠક પર ભાજપ તરફે 12 જેટલાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા ભાજપ મોવડી મંડળ પણ અસમંજસમાં મુકાઈ ગયું છે. દાહોદ વિધાનસભા બેઠક પરથી ભાજપ તરફે એપીએમસીના ચેરમેન કનૈયાલાલ કિશોરી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અભિષેક વાલજીભાઈ મેડા,પૂર્વ ધારાસભ્ય તેરસીંગભાઈ ડામોર, દાહોદના સામાજિક કાર્યક્રમ પૂનમ નીનામા સહિત બાર લોકોએ દાવેદારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસ તરફથી વર્તમાન ધારાસભ્ય વજુભાઈ ટિકિટ માંગી છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા પણ દાવેદારોની રેસમાં સામેલ છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર દિનેશભાઈ મુનિયાને પહેલાથી જાહેર કરી દેવામાં આવ્યા છે. દાહોદ વિધાનસભા બેઠક છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય વજુભાઈ પડદા ત્રણ ટર્મથી અજેય રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા છેલ્લા ત્રણ ટર્મમાં જીથરાભાઈ ડામોર,નગરસિંહ પલાસ, કનૈયાલાલ કિશોરીનો હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, આ વખતે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવી દાહોદ વિધાનસભા બેઠક કબજે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, દાહોદ વિધાનસભા બેઠક છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ માટે અભિશાપ સાબિત થયું છે તેની પાછળનું એક બીજું કારણ પણ એ છે કે, દાહોદ નગરપાલિકામાં છેલ્લા 35 વર્ષથી ભાજપનું શાસન છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એક તૃતીયાંશ બહુમતીથી વર્ષોથી વિજય થતી આવી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના શહેર સંગઠન તેમજ ચૂંટાયેલા કાઉન્સિલરોની આળસ અને ઈચ્છા શક્તિના અભાવે કોંગ્રેસ લીડ મેળવે છે. એક થીયરી પ્રમાણે જો દાહોદ વિધાનસભા બેઠક પર ભાજપનો ધારાસભ્ય ચૂંટાશે તો નગર પાલિકામાં હસ્તક્ષેપ કરશે તેવી ધારણાને લઇ વિધાનસભાની ચૂંટણીમાં સ્થાનિક કાઉન્સિલરો તેમજ શહેર સંગઠન નબળું પર્ફોર્મન્સ આપે છે. જેના કારણે દાહોદ વિધાનસભા બેઠક છેલ્લા ત્રણ ટર્મથી ભાજપ માટે અભિશાપ સાબિત થઈ છે. ત્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ દાહોદ શહેરના લઘુમતી વિસ્તારો કોંગ્રેસના પરંપરાગત ગઢ છે. તેના કારણે પણ કોંગ્રેસને આ બેઠક પર ફાયદો થાય છે. જેના કારણે કોંગ્રેસ આ બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી વિજેતા જાહેર થાય છે. તે પણ એક અભ્યાસ છે. જોકે, આ તમામ થીયરીની વચ્ચે આ વખતે ભાજપ માંથી બાર ઉમેદવારોએ દાવેદારી કરી છે. તેમજ કોંગ્રેસમાં પણ બે મજબૂત દાવેદારો ટિકિટની રેસમાં સામેલ છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થયા બાદ દરેક જગ્યાએ જેવી રીતે થાય છે. તે રીતે અહીંયા પણ અસંતુષ્ટો બગાવતી તેવર દેખાડી વિધાનસભામાં અપક્ષની ઉમેદવારી કરી પક્ષ સામે બાયો ચડાવે એવી પણ ચર્ચાઓ હાલ અતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. ત્યારે છેલ્લા થોડાક દિવસથી બધી ગુજરાત માંથી જુના જોગી પક્ષ પલટો કરશે તેવી અફવાઓ ચાલી રહી છે. ત્યારે કદાચ આ પક્ષ પલટો દાહોદ જિલ્લા માંથી નહીં થાય ને તેવી અટકણો પણ રાજનીતિક ગલિયારાઓમાં જોર સોરથી ચર્ચાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જો વજુભાઈની ટિકિટ કાપી હર્ષદભાઈને ટિકિટ આપે તો શું વજુભાઈ પાર્ટી સામે વિરોધનો બીયુગલ બજાવશે કે શિસ્તબંધ રીતે કોંગ્રેસ પાર્ટી ને વફાદાર રહી દાહોદની સીટ યથાવત રાખવા મહેનત કરશે. તમે ઘણી બધી વાયકાઓ હાલ રાજકીય ગલિયારાઓમાં જોર શોર થી ચર્ચાતા શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય માહોલમાં ગરમા ગરમીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ભાજપ દ્વારા જાહેર કરાવી ફેક યાદી ફરતી થતા રાજકીય માહોલમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. હાલ તો ટિકિટના દાવેદારો પોતાના ગોડફાદારોના જોરે ટિકિટ મેળવવા ગાંધીનગરની દોડ લગાવી રહ્યા છે. ત્યારે આવનાર એક બે દિવસમાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થવાની છે. ત્યારે મોવડી મંડળ કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે અને ટિકિટોની જાહેરાત થયા બાદ ભાજપ કોંગ્રેસ બંને ડેમેજ કંટ્રોલ કરવા માટે કેવી પ્રકારની રણનીતિ ઘડે છે. તે તો હાલ ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ દાહોદ વિધાનસભાની બેઠક પર આ વખતે ભારે રસાકસીનો જંગ જામશે તે હાલના તબક્કે જોવાઈ રહ્યો છે.