દાહોદ,
ઉત્તરાયણ પર્વને આડે હવે ગણતરીના આઠ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ પર્વે પક્ષીઓના મોત માટે જવાબદાર એવા પ્રતિબંધીત ચાઈનીઝ દોરી પ્રતિબંધનો કડકાઈથી અમલ કરાવવા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર તેમજ સ્થાનિક તંત્રએ કમર કસી છે અને તે ચાઈનીઝ દોરીના વેચાણ પર બાજ નજર રાખી રહ્યા છે. તેવા સમયે દાહોદ એ-ડિવીઝન પોલીસે ગોધરા રોડ પર કરિયાણાની એક દુકાનમાંથી રૂપિયા 38000ની કિંમતના ચાઈનીઝ દોરીના ટેલરો નંગ-69 તથા દાહોદ બી-ડીવીઝન પોલીસે ઉકરડી રોડ, નુર બંગલા સામે આવેલ કરિયાણાની દુકાનમાંથી રૂપિયા 12,900ની કિંમતની ચાઈનીઝ દોરીની નાની મોટી 64 રીલ ઝડપી પાડી, તેમજ પિંજારવાડ તેમજ ગોધરારો રોડ પર મળી કુલ ચાર જગ્યાએ છાપો મારી ચાર લોકોની અટક કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ એ- ડીવીઝન પોલીસે પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ ગોધરારોડ, પાયલ કંગન સ્ટોરની ગલીમા આવેલ રામકુમાર ચંદભાઈ બચ્ચાણીની કરિયાણાની દુકાનમાં ઓચિંતો છાપો મારી રૂા. 38000ની કુલ કિંમતના ચાઈનીઝ દોરીના ટેલરો નંગ-69 પકડી પાડી કબજે લઈ કરિયાણાની દુકાનના માલીક રામકુમાર ચંદભાઈ બચ્ચાણીની અટકાયત કરી એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જ્યારે ચાઈનીઝ દોરી અંગેની પોતાને મળેલ બાતમીના આધારે દાહોદ બી-ડીવીઝનના પી.આઈ. દેસાઈ તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓએ દાહોદના ઉકરડી રોડ પર નુર બંગલાની સામે આવેલ ફકરી કરિયાણા સ્ટોર નામની દુકાનમાં ઓચિંતો છાપો મારી ચાઈનીઝ દોરાની રૂા. 12,900ની કુલ કિંમતની નાની-મોટી રીલ નંગ-64 પકડી પાડી કબજે લઈ તે દુકાનના માલિક ફકરીભાઈ નઝમુદ્દીનભાઈ મોદી (દાઉદી વ્હોરા)ની અટકાયત કરી જાહેરનામાન ભંગ સબબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આમ, દાહોદ પોલીસે બે જગ્યાએથી કુલ મળી રૂા. 50,900ની કિંમતની ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ પકડી કબજે લઈ બે વેપારીઓની અટકાયત કરી છે.
તેમજ દાહોદના પીંજારવાડમાં રહેતા જાવેદભાઈ મજીદભાઈ પિંજારાની દુકાનમાંથી ચાઈનીઝ દોરીના રૂા. 1,500ની કુલ કિંમતના ત્રણ ફિરકા તથા ગોધરા રોડ ખાતે રહેતા જ્યોત્સનાબેન અરૂણભાઈ અશોકરભાઈ સિસોદિયાના મકાનમાં થી રૂા. 4000ની કુલ કિંમતના ચાઈનીઝ દોરીના આઠ ફિરકા મળી કુલ રૂા. 5,500ની કુલ કિંમતના પ્રતિબંધીત એવી ચાઈનીઝ દોરીના ફિરકા નંગ-11 ઝડપી પાડી મહિલા સહિત ચાર જણા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.