દાહોદ, દાહોદ-વડોદરા બસના કંડક્ટરે બસમાં પોતાની ફરજ દરમ્યાન દારૂ પીધેલી હાલતમાં જોવા મળતાં બસમાં સવાર મુસાફરે કંડક્ટરનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં એસ.ટી. વિભાગમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.
ગતરોજ દાહોદ-વડોદરાની બસ દાહોદ ખાતે આવી રહી હતી. તે સમયે બસમાં પોતાની ફરજ બજાવનાર કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં મુસાફરોને નજરે પડ્યો હતો. આ બસમાં સવાર મુસાફરોના જણાવ્યાં અનુસાર, કંડક્ટરે બસ માથે લીધી હતી. દારૂ પીધેલા કંડક્ટરે પેસેન્જરો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. કંડક્ટરે એટલો દારૂ પીધેલો હતો કે તેને ચાલવા અને બોલવામાં ફાફા પડતાં હતાં. બસના કંડક્ટરે પૈસા લઈ પેસેન્જરોને ટીકીટ પણ આપી ન હોવાનું જણાવ્યું હતું. કંડક્ટરે દારૂ પીધેલી હાલતમાં હોવાને કારણે આ બસના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ બસના કંડક્ટર દારૂ પીધેલી હાલતમાં જોવા મળતાં બસમાં સવાર એક મુસાફરે કંડક્ટરનો વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ અને સોશિયલ મીડીયામાં વાઈરલ કરી દેતાં એસ.ટી. વિભાગમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે સમગ્ર મામલે સંબંધિત એસ.ટી. વિભાગ દ્વારા આ કંડક્ટર વિરૂધ્ધ કાર્યવાહી કરશે કે કેમ ? તે જોવાનું રહ્યું પરંતુ આ ઘટનાને પગલે આ બસના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.