
દાહોદ, દાહોદ જીલ્લામાં ડો.રાજદીપસિંહ ઝાલાએ જીલ્લા પોલીસવડા તરીકેનો ચાર્જ લેતાજ વિદેશી દારૂ જુગારની બદીઓ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવુતિઓ ઉપર સદંતર અંકુશ લાવવા માટેના આદેશો બાદ બુટલેગરો તેમજ જુગારના અડ્ડાઓ ચલાવતા ગેમ્બલરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

ત્યારે જીલ્લાના તમામ પોલીસ મથકોની હદમાં વર્ષોથી વિવિધ ગુનાઓમાં સંપડાયેલા ફરાર આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને પકડી પાંજરે પુરવા માટેની ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી છે, તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિથી જળવાય રહે તે માટે જીલ્લાના તમામ પોલીસ મથકોની જીલ્લા પોલીસવડા દ્વારા મુલાકાતો પણ કરી રહ્યા છે, તેમજ શહેર સહીત જીલ્લાભરમાં ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત ડ્રાઈવો પણ યોજવામાં આવી રહી છે.

ત્યારે આ તમામ પોલીસની કામગીરી અંતર્ગત થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા ઉપર દાહોદના TRB જવાનો વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હોવાના વિડિઓ વાયરલ થયા હતા. જોકે વિડિઓ વાયરલ થતા જ એક પળનો વિલંબ કર્યા વગર જીલ્લા પોલીસવડા ડો રાજદીપસિંહ ઝાલાએ વિડિઓની તપાસ કરી હતી. જેમાં એ ડિવિઝન પોલીસ મથકની હદમાં ટ્રાફિક બ્રિગેડની ફરજ બજાવતા અજીત ગફફાર પઠાણ નામનો TRB જવાન હોવાનું સ્પષ્ટ વીડિયોમાં જણાઈ આવ્યું હતું. ત્યારે પોલીસવડાએ તપાસનો દોર લંબાવતા અજીત પઠાણની સાથે અન્ય બે TRB જવાન પણ દોષી જણાઈ આવતા ત્રણેય TRB જવાનોને તાત્કાલિક ફરજ મુક્ત કરવાનો આદેશ કરતા ટ્રાફિક પોલીસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં ગત તારીખ 13-10-2023 ના રોજથી જ TRB જવાન તરીકે ફરજ બજાવતો અજીત ગફ્ફાર પઠાણ, ચિરાગ કનુભાઈ સંગાડા તથા સુનિલ રામસિંહ બારીયાને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરી દેવાતા ટ્રાફિક પોલીસમાં ખલભળાટ મચી જવા પામ્યો હતો.