દાહોદથી ટ્રાન્સ્ફર વોરંટથી ગોધરા લવાતો આરોપી હાથકડી છોડાવી ફરાર : રેલ્વે પોલીસના બે કર્મચારીઓ સસ્પેન્ડ

ગોધરા,દાહોદના રેલ્વેની ચોરીમાં પકડાયેલા ગોધરાના આરોપીઓને ટ્રાન્સ્ફર ઓર્ડરથી ગોધરા આરપીએફ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી વોશરૂમ જવાનુ બહાનુ બનાવી હાથકડી કાઢીને રેલ્વેનો કોટ કુદીને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. જે બાદ ફરજમાં બેદરકારી દાખવનાર બે આરપીએફ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા.

ગત તા.25/09/22ના રોજ આરપીએફ પોલીસે ચોરીના ગુનામાં વસીમ ઉર્ફે ટપલો મોહંમદ હનીફ ભટુક તથા શોએબ યાકુબ ધાંચીભાઈને રંગેહાથે ઝડપી પાડયા હતા. તેમની પુછપરછમાં ગોધરાના હસન ઉર્ફે ટકન સલીમ શેખ(રહે.સિગ્નલ ફળિયા)અને ખાલીદ શોકત પોસ્તો(રહે.ઈમરાન મસ્જિદની પાસે મેદા પ્લોટ)નુ નામ બહાર આવ્યુ હતુ.જેથી તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા હતા પરંતુ બંને આરોપીઓ નાસતા ફરતા હતા. આ બંનેને દાહોદ રેલ્વે પોલીસે પકડી પાડ્યા હતા. જેથી બંને આરોપીઓનો રેલ્વે કોર્ટ ગોધરા દ્વારા કબ્જો મેળવવા તા.27/03/23ના રોજ રિપોર્ટ આપ્યો હતો. જેના આધારે સબજેલ દાહોદ ખાતેથી બંને આરોપીઓને ગોધરા આરપીએફ પોલીસ મથકમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ બંનેનુ મેડિકલ ચકાસણી કરાવી ફરજ પરના હેડ કોન્સ્ટેબલ શ્રીપાલસિંહ જીવનસિંહ યાદવને આરોપીઓને સોંપી સબ ઈન્સ્પેકટર અજીતસિંહ રમેશકુમાર યાદવ જમવા માટે ગયા હતા. ત્યારે આરોપીઓએ હેડ કોન્સ્ટેબલ શ્રીપાલસિંહ યાદવને વોશરૂમમાં કરવા જવાનુ કહેતા તેઓ બંનેને રેલ્વેના વેઈટિંગ રૂમમાં વોશરૂમ પાસે લઈ ગયા હતા જયાંથી પરત પોલીસ મથકમાં લઈ જતા હતા ત્યારે હસન શેખ હાથમાંથી હાથકડી કાઢીને નાસી ગયો હતો. જેને પકડવા હેડ કોન્સ્ટેબલ પાછળ દોડ્યા હતા. પરંતુ આરોપી રેલ્વેના દરવાજાની દિવાલ કુદીને સિગ્નલ ફળિયા તરફ નાસી ગયો હતો. જયારે તેની સાથે બીજો આરોપી ખાલીદ શોકત પોસ્તી વેઈટિંગ રૂમમાં બેસી રહ્યો હતો. આ બનાવમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવનાર સબ ઈન્સ્પેકટર અજીતસિંહ રમેશકુમાર યાદવ અને હેડ કોન્સ્ટેબલ શ્રીપાલસિંહ યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઈને આરપીએફ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.