દાહોદ, દાહોદથી ઈન્દોૈર જવા માટે હવે સાંકડા પુલ અને ધાટ સેકશન પર થતાં ટ્રાફિકજામ સાથે ખાડાવાળા રસ્તા સાથે અકસ્માતના ભય વચ્ચે મુસાફરી કરવાનો સમય ગુરૂવારથી પુર્ણ થઈ ગયો હતો. માછલીયા ધાટ સેકશનમાં ફોરલેનનુ નિર્માણ પુર્ણ થયા બાદ વાહનવ્યવહાર શરૂ કરાયો હતો. ગુરૂવારે બપોરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઈન્દોૈર પીઆઈયુના પ્રોજેકટ ડાયરેકટરની હાજરીમાં આવાગમન શરૂ કરાવ્યુ હતુ. નિર્માણકર્તા અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, હાલમાં ટેસ્ટિંગરૂપે આવાગમન શરૂ કરાયુ છે. ટોલની કિંમતમાં કેટલો વધારો થશે તે કંપનીના અધિકારીઓને પણ ખબર નથી. કામગીરી દરમિયાન સોૈથી વધુ મુશ્કેલી સાંકડા પુલ, સાંઈ મંદિરવાળા યુ-ટર્ન, ડુંગલા પાનીના આંધળા વળાંક પર આવી હતી. માછલીયામાં ધાટ સેકશન ઉપર 800 મીટરથી લાંબા મેજરબ્રિજ સ્ટ્રકચર છે. જેમાં કેટલાક 17 મીટર સુધીના ઉંચા છે. નાના-મોટા મળીને 52 પિલ્લર બનાવ્યા છે. માછલીયા સિવાય દતીગાંવથી રાજગઢ સુધી, ઝાબુઆ જિલ્લામાં ફુલમાલ ફાટા અને વાવડીવાળો બાકી ભાગ બનાવ્યો છે. માછલીયાના 9 કર્વ સીધા થઈ ગયા છે.