દાહોદ તાલુકા પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીની જાહેરાતને રાજકીય ગરમાવો

દાહોદ, દાહોદ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની હાઈ વોલ્ટેજ ચુંટણી આગામી 12 સપ્ટેમ્બરે યોજવાની જાહેરાત, રાજકીય ગરમાવા સાથે મુરતિયાઓમાં થનગનાટ

દાહોદ નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ધીમે ધીમે વધી રહ્યો છે.ત્યારે આ ચુંટણી માટે તારીખ 12 સપ્ટેમ્બર નક્કી થઈ હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે.આમ હવે આ હાઈ વોલ્ટેજ ચુંટણીને આડે આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો જ રહેતા રાજકીય રક્ષા-બંધનના તાંણા વાણા બંધાવાની શરૂઆત થઈ જશે.

પાલિકાના સભાખંડમા 11 વાગે જઉખ ચુંટણી કરાવશે

દાહોદ નગર પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ,કારોબારી સમિતિના અધ્યક્ષ,શાસક પક્ષના નેતા અને દંડકની મુદત આગામી તારીખ 16 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. તે પૈકી પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી આગામી 12 સપ્ટેમ્બરના રોજ સવારના 11:00 કલાકે નગર પાલિકાના સભાખંડમા યોજાશે. જેના ચુંટણી અધિકારી તરીકે દાહોદના એસડીએમ એન.બી.રાજપૂતને નિયુક્ત કરવામા આવ્યા છે. કારોબારી સમિતિના અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની નિયુક્તિ ભાજપના મોવડી મંડળ દ્વારા કરવામા આવશે.

વિપક્ષના નામે કોંગ્રેસના માત્ર બે મહિલા કાઉન્સીલરો….

દાહોદ નગર પાલિકામા 1995 થી ભાજપાનું શાસન છે. ગત ચુંટણીમાં પણ ભાજપે 36 માંથી 31 બેઠકો જીતી હતી. ત્યારબાદ વિધાનસભાની ચુંટણીઓ ટાણે કોંગ્રેસના ત્રણ નગર સેવકો ભાજપમાં જોડાઈ જતા પાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધીને 34 થઈ ગયુ છે. હવે પાલિકામા કોંગ્રેસની માત્ર બે નગર સેવિકાઓ જ રહી ગઈ છે.

દાવેદારોની યાદી લાંબી થાય તો નવાઈ નહી

દાહોદ નગર પાલિકામાં હવે પ્રમુખ પદ સામાન્ય જાહેર કરવામાં આવ્યુ છે. જેથી સામાન્ય કેટેગરીના નગર સેવકો પૈકી કેટલાકે પોત પોતાનું લોબીંગ શરૂ કરી દીધુ છે. જાણવા મળ્યા અનુસાર હાલમાં કારોબારી સમિતિના ચેરમેન લક્ષ્મણ રાજગોર અને સીનીયર કાર્યકર્તાઓ દિપેશ લાલપુરવાલા અને નીરજ (ગોપી) દેસાઈ પ્રમુખ બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ ટોચના અન્ય હોદ્દાઓ મારે નૃપેન્દ્ર દોશી, મહિલાઓમાં રંજનબેન રાજહંસ, શ્રધ્ધા ભડંગના નામો પણ ચર્ચાઈ રહ્યા છે. આ સિવાય પણ જો અને તો ને લઈને કેટલાકના મનમાં લડડુ ફુટી રહ્યા હોવાનુ જાણવા મળ્યું છે. ત્યારે આગામી દિવસોમા મુખ્યત્વે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખને લઈને રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચશે તે નક્કી છે.